અમદાવાદ: રંગીલા રાજકોટથી જાણીતા રાજકોટની અનેક ઓળખ છે. ડીઝલ તથા એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે ખાદ્યતેલનું કેન્દ્ર રાજકોટ છે. રાજકોટ એક સમયની સૌરાષ્ટ્રની રાજધાની હતી. રાજકોટ લોકસભા બેઠક પર 2024ની ચૂંટણી દેશની સૌથી વિવાદમાં રહેલી ચૂંટણીઓ પૈકીની છે. જેનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. બહુ બોલકા એવાં પરશોત્તમ રુપાલાએ પોતાના મતક્ષેત્ર હેઠળના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિેવેદન આપતા દેશભરમાં તેમની ઉમેદવારી રદ્દ થાય અને રુપાલા માફી માંગે એ અંગે આંદોલન અને પ્રદર્શનો થયા. જે તેમને ચૂંટણીમાં નડ્યા. 2024ની ચૂંટણીમાં ભાજપે વર્તમાન સાંસદ અને બે ટર્મના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપી અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા તો કોંગ્રેસે મોડે -મોડે પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીને ટિકિટ આપી 2024નો ચૂંટણી જંગ રસપ્રદ બનાવ્યો.
રાજકોટ:આયાતી ઉમેદવારો વચ્ચેના જંગમાં, ક્ષત્રિય આંદોલન પરિણામનું કારણ બનશે.

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ આયાતી ઉમેદવારોને ટિકિટ આપી. કોંગ્રેસે પહેલી ચૂંટણીઓ કરતાં પ્રમાણમાં સારો ચૂંટણી પ્રચાર કર્યો, ક્ષત્રિયની નારાજગીનો લાભ પણ કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠક પર 1989થી 2004ની સળંગ છ ચૂંટણી ભાજપે જીતી છે, જ્યારે 2009માં હાલ ભાજપી અને પૂર્વ કોંગ્રેસી કોળી નેતા કુંવરજી બાવળિયાએ ચૂંટણી જીતીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. રાજકોટ પરથી ત્રણ મુખ્યમંત્રીઓ સાંસદ બન્યા છે. 1962માં સૌરાષ્ટ્ર સ્ટેટના મુખ્યમંત્રી ઉછરાંગરાય ઢેબર, 1971માં ઘનશ્યામ ઓઝા અને 1977માં કેશુભાઈ પટેલ સાંસદ બન્યા હતા. તો દેશની સંસદમાં પોતાના વ્યક્તત્વથી સૌને પ્રભાવિત કરતા મીનુ મસાણી પણ 1967માં રાજકોટ બેઠકથી સાંસદ રહ્યા હતા. રાજકોટ લોકસભા મતક્ષેત્ર વિસ્તાર હેઠળ આવતી સાત પૈકીની બે વિધાનસભા બેઠકો ટંકારા અને વાંકાનેર મોરબી જિલ્લાની છે, તો રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ એ રાજકોટ જિલ્લામાં આવતી વિધાનસભા બેઠક છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી સાતેય બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. રાજકોટ લોકસભા બેઠક પર 2024માં 59.69 ટકા નોંધાયું છે, જે 2019ની સરખામણીએ 4 ટકા ઓછું છે. ભાજપ માટે રાજકોટની બેઠક પર વિજય મેળવવો પડકારરુપ છે, તો કોંગ્રેસ માટે આશા છે કે ક્ષત્રિય વિરોધ, ભાજપના આંતરિક જૂથવાદ અને અસંતોષનો ફાયદો મળે. પ્રમાણમાં શેૃહેરી અને શહેરની આસપાસના વિસ્તારના મતદારો વિરોધ છતાં ભાજપ સાથે જાય છે, એ ભાજપને વિશ્વાસ છે.
જામનગર: ભાજપ હારી શકે એવા માહોલમાં, કોંગ્રેસ વિજયની આશા રાખી શકે છે

2024ના ચૂંટણી જંગમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલી અને રિલાયન્સની સૌથી મોટી પેટ્રો કેમિકલ્સની ફેકટરી છે એવા સંસદીય મતક્ષેત્રમાં ભારે ઉલટ-પુલટની શક્યતા છે. ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમ સામે સતત વધતા અસંતોષ, પાટીદાર-ક્ષત્રિય- મુસ્લિમ અને દલિત મતદારોના પ્રભુત્વનો 2024માં કોંગ્રેસ તરફી ઝુકાવ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી. મારવિયા તરફી હોવાનો માહોલ છે. ખેડૂતોમાં અસંતોષ, પાટીદાર સમાજની સંસ્થાનો સીધો સહકાર અને ભાજપના ત્રીજી વખતના ઉમેદવાર પૂનમબેન માડમ પ્રત્યેના અસંતોષ 2024નું પરિણામ નક્કી કરી શકે છે. જામનગર સંસદીય મતક્ષેત્ર હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકમાં ખંભાળીયા અને દ્વારકા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠકો છે, જ્યારે જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય, કાલાવાડ અને જામજોધપુર જામનગર જિલ્લાની વિધાનસભા બેઠકો છે. જામનગર લોકસભા બેઠક પરથી સાત વખત કોંગ્રસ તો સાત વખત ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. 1989 થી 1999ની સળંગ પાંચ ચૂંટણી ભાજપના ચંદ્રેશ પટેલ વિજયી બન્યા છે. જામનગર બેઠક પરથી 1980 અને 1984માં ક્રિકેટર અજય જાડેજાના પિતા દોલતસિંહ જાડેજા કોંગ્રેસથી સાંસદ બન્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ફાળે સાત પૈકીની છ બેઠકો અને જામજોધપુર વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી. 2024માં જામનગર બેઠક પર 57.67 ટકા મતદાન નોંધાયું છે, જે 2019 કરતાં સરેરાશ ચાર ટકા ઓછું છે. જે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. 2024માં જામનગર બેઠકનું પરિણામ એક તરફી નહીં આવે, કોંગ્રેસને વિજયી બનવાની આશા છે.
જૂનાગઢ: વિવાદમાં રહેલા રાજેશ ચુડાસમાને રિપીટ કરી ભાજપ ઉઠાવેલ જોખમ જીત અપાવી શકે છે

જૂનાગઢ લોકસભા બેઠક પરની છેલ્લી આઠ પૈકી સાત ચૂંટણી ભાજપે જીતી છે, તો કોંગ્રેસે 2004માં વિજય પ્રાપ્ત કર્યો હતો. 2024માં જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી વિરુદ્ધ આહીર ઉમેદવાર વચ્ચે જંગ છે. જેમાં ભાજપે વિવાદમાં રહ્યા છતાં કોળી સમાજના ઉમેદવાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. જૂનાગઢ સંસદીય મતક્ષેત્ર હેઠળની સાત પૈકીની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાની છે, તો ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડિનાર અને ઉના વિધાનસભા બેઠકો છે. 2022માં ભાજપે 156 બેઠકો જીતી ત્યારે પણ વિસાવદર વિધાનસભા બેઠક આપે અને સોમનાથ બેઠકે કોંગ્રેસે જીતી હતી. જૂનાગઢ લોકસભા બેઠક પરથી 1991થી 1999ની સળંગ ચાર લોકસભા બેઠક પરથી ભાજપના ભાવનાબહેન ચિખલીયા સાંસદ બન્યા હતા. 2024ની ચૂંટણી પહેલા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે વિવાદો સર્જાયા હતા. સૌના આશ્ચર્ય વતી ભાજપે કોળી નેતા રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા તો કોંગ્રેસે આહિર નેતા હિરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા. 2024માં જૂનાગઢ લોકસભા બેઠક પર 58.91 ટકા મતદાન નોંધાયું છે. જે 2019ની સરખામણીએ ત્રણેક ટકા ઓછું છે. 2024માં ભાજપે વિવાદમાં રહેલા રાજેશ ચુડાસમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા, મોદી ગેરંટી અને વિકાસના નામે જીતી શકે છે. કોંગ્રેસના નબળા સંગઠન અને ઓછા પ્રચારનો ફાયદો ભાજપને મળી શકે છે.
પોરબંદર: આયાતી ઉમેદવારો વચ્ચેના જંગમાં સ્થાનિક પરિબળો નિર્ણાયક સાબિત થશે

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે રાજકીય માહોલ હંમેશાથી ચર્ચાસ્પદ રહેલો છે. ખનીજ માફિયા, દબંગ રાજનેતાના કારણે પોરબંદરનો વિકાસ કુંઠીત છે એવી સૌરાષ્ટ્રમાં માન્યતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યસભામાં રિપીટ ન કરેલ સાંસદ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ઉતાર્યા તો કોંગ્રેસે પણ રાજકોટના લલિત વસોયાને પોરબંદરથી ઉતાર્યા છે. 2024માં પોરબંદરથી જયેશ રાદડિયાને ભાજપ ટિકિટ આપી શકે એવી ચર્ચા હતી. પણ ભાજપે મૂળ ભાવનગરના મનસુખ માંડવિયાને ટિકિટ અપાતા સ્થાનિક સ્તરે વિવાદ અને વિરોધ જન્મ્યો હતો. કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારીને ચૂંટણીમાં ટક્કર આપવાના પ્રયાસ કર્યા છે. પોરબંદરના નામે જાણીતી લોકસભા મતક્ષેત્ર અંતર્ગત પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક જ છે. જ્યારે રાજકોટ જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી સાથે જૂનાગઢ જિલ્લાની માણાવદર અને કેશોદ બેઠકનો સમાવેશ થાય છે. 2024ની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન સાથે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો કોંગ્રેસે મતદારમાં પ્રચારિત કર્યો તો. ભાજપે કેન્દ્રીય યોજના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો અને મોદીની ગેરંટી જેવા મુદ્દાને પ્રભાવક બનાવ્યો. છેલ્લા બે દાયકાથી પોરબંદર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત વિસ્તારમાં રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે. હાલ જયેશ રાદડિયાના સહકારી ક્ષેત્રમાં વધતા કદની અસર લોકસભા વિસ્તારમાં થાય છે. 2013, 2014 અને 2019 એમ સળંગ ત્રણ ચૂંટણી ભાજપે જીતી છે. 2019ના વિજેતા રમેશ ઘડૂકને ભાજપે બદલીને મનસુખ માંડવિયાને ચૂંટણીમાં ઉતારી પાટીદાર મતદારોનો લાભ લીધો છે. 2024માં આયાતી ઉમેદવારોની લોકચર્ચા અને વધુ ગરમીના કારણે 51.83 ટકા મતદાન થયું છે, જે 2019ની સરખામણીએ છ ટકા જેટલું ઓછું છે. 2024માં ભાજપ પોરબંદર બેઠકને જાળવી શકશે.
અમરેલી: શિક્ષિત જેની ઠુમ્મર જીત માટે ફેવરિટ, ભાજપના ભરત સુતરિયા સામે પડકાર

અમરેલી સૌરાષ્ટ્રનો ઓછો વિકસિત વિસ્તાર છે, જયાંથી સૌથી વધુ યુવાનો સુરત ખાતેના હીરા ઉદ્યોગમાં સ્થળાંતર કરે છે. દરિયા કિનારે વધતો જતો ખાર, પાણીની અછત, અનિયમીત વીજળી અને ગીર જંગલથી વન્ય જીવોના માનવ વસાહતોમાં પ્રવેશ એ વિસ્તારની મુખ્ય સમસ્યા છે. છેલ્લી આઠ ચૂંટણીમાં ભાજપે સાત ચૂંટણી જીતી છે. જેમાં 1991 થી 1999 સુધીની સળંગ ચાર ચૂંટણી હાલના ઈફક્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જીતી છે. તો 2009 થી 2019ની સળંગ ત્રણ ચૂંટણી ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડીયા જીતી છે. કડવા પાટીદાર પાવર કેન્દ્ર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં 2017માં કોંગ્રેસે સાતેય વિધાનસભા બેઠકો જીતી હતી. 2022માં સાત પૈકીની છ વિધાનસભા બેઠકો ભાજપે જીતી છે. 2024માં કોંગ્રેસે વિરજી ઠુમ્મરના પરિવારથી જેનીબહેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા તો ભાજપે ભરત સુતરીયાને. 2024માં અમરેલી ખાતે 50.29 ટકા મતદાન નોંધાયું. કોંગ્રેસના દિગ્ગજો રાજકોટ બેઠક ખાતે સક્રિય હતા. કોંગ્રેસ સંગઠન પ્રમાણમાં ઓછુ સક્રિય રહ્યું. જ્યારે ભાજપનું સંગઠન, પક્ષ અને કાર્યકરો કોંગ્રેસ જીતી શકે એવી અમરેલી બેઠક પર યોગ્ય બૂથ મેનેજમેન્ટ કર્યું અને સહાકારી રાજકારણથી આરંભમાં કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપ પડકાર હોવા છતાં વિજેતા બની શકે એવી સ્થિતિ સર્જાઈ છે.
ભાવનગર: આરંભે શૂરા આપના ઉમેશ મકવાણા ખરા સમયે નિસ્ક્રીય બનતા ભાજપને થશે ફાયદો

ભાવનગર લોકસભા બેઠક ભાજપ માટે સલામત લોકસભા બેઠક છે. 1991 થી 2019 સુધીની સળંગ આઠ લોકસભા ચૂંટણીઓ ભાજપે જીતી છે. જે પૈકી 1996 થી 2009ની સળંગ પાંચ ચૂંટણીઓ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જીતી છે. 2014 અને 2019માં ભાજપના મહિલા સાંસદ ભારતીબહેન શીયાળ વિજેતા થયા હતા. 2024માં ભાજપે નવા ચહેરા તરીકે ભાવનગરના પૂર્વ મેયર નીમુબહેન બાંભણિયાને ઉમેદવાર બનાવ્યા, તો ઈન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ચૂંટણી જંગમાં ઉતાર્યા. ભાજપના પ્રભુત્વ ધરાવતી બેઠક પર વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતક્ષેત્રમાં જ કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ ન ફળવાતા સ્થાનિક સ્તરે વિરોધ થયો હતો. આમ આદમી પાર્ટીએ તેમના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટિકિટ આપી. આરંભમાં આપના ઉમેશ મકવાણાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે રેલી કરી વિસ્તારમાં માહોલ બનાવ્યો, પણ ચૂંટણીના ત્રણ અઠવાડિયા પહેલાથી તેઓ નિષ્ક્રીય બન્યા. જ્યારે ભાજપે છેલ્લી ઘડી સુધી યોગ્ય બૂથ મેનેજમેન્ટ અને સતત પ્રચાર કરી કોળી, પાટીદાર, ઓબીસી, સવર્ણ અને શહેરી મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા અને મોદી ગેરંટીથી આકર્ષી ભાજપ માટે સારો માહોલ સર્જ્યો હતો. 2024માં 53.92 ટકા મતદાન થયું છે. ભાવનગર બેઠક પર 2024ની ચૂંટણીમાં ભાજપે આપ આદમી પાર્ટીની નિષ્ક્રીયતાથી કમબેક કરીને બેઠક જીતી શકે એવી સ્થિતિ સર્જી છે.
સુરેન્દ્રનગર: કોંગ્રેસ અને ભાજપ કોઈ પણ જીતી શકે છે, ક્ષત્રિય મતદારો પ્રભાવક રહેશે

મૂળે ઝાલાવાડ વિસ્તાર તરીકે ઓળખાતો સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્ર પર કોળી ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે. પાણીની સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરમાં કોળી, ક્ષત્રિય અને ઓબીસી સમાજ નિર્ણાયક હોય છે. ભાજપે 2014 અને 2019માં કોળી ઉમેદવારોને બદલ્યા છતાં વિજય હાંસલ કર્યો છે. 1989માં ભાજપે પહેલી વાર વિજય પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ભાજપથી કોળી આગેવાન સોમા ગાંડા પટેલ જીત્યા હતા. 1998માં ભાવનાબહેન દવે જીત્યા હતા. કુલ 7 વખત કોંગ્રેસના કોળી, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારો વિજયી બન્યા છે, તો ભાજપથી કોળી ઉમેદવારો વધુ વિજયી બન્યા છે. 2024ના ચૂંટણી જંગમાં કોળી સમાજના બંને ઉમેદવારો હોવાથી કોળી મતોનું વિભાજન થશે. ક્ષત્રિય આંદોલનની અસર લોકસભા બેઠક પર વિશેષ જોવા મળી છે. જ્યારે વિકાસના મુદ્દે બંને પક્ષોએ મતદારોને ગેરંટી આપી છે. 2024માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 55.09 ટકા મતદાન નોંધાયું છે. કોંગ્રેસના ઋત્વિક મકવાણાને તેમના પરિવારની શાખ, ગાંધીયન સંસ્થાઓનો સહકાર, સ્વચ્છ છબિનો લાભ, ક્ષત્રિય સમાજના મત, ભાજપનો આંતરિક અસંતોષનો સીધો લાભ શકે છે. ભાજપના ચંદુ શિહોરાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો, કોળી સમાજ, સવર્ણ મતદારો, શહેરી મતદારો અને સરકારના વિકાસ કાર્યોનો લાભ મળી શકે એમ છે. 2024ની લોકસભા ચૂંટણી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ અથવા ભાજપ કોઈ પણ જીતી શકે છે, જે તરફ ક્ષત્રિય અને ઓબીસી મતદારોનો ઝુકાવ હશે.