જુનાગઢ: આગામી સાતમી મેના દિવસે રાજ્યની 26 લોકસભા બેઠક પર મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, ત્યારે 13 જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને હવે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. જુનાગઢ લોકસભા બેઠક પર જનરલ નિરીક્ષક તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાસમી અને પોલીસ નિરીક્ષક તરીકે નાઝનીન ભસીનની ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, આ બંને સિનિયર અધિકારીઓ દ્વારા આજે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આગામી મતદાનને લઈને જિલ્લાના ઉચ્ચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી મતદાનને લઈને અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મતદાન પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થાનુ માર્ગદર્શન: આ બેઠકમાં જનરલ નિરીક્ષક મોહમ્મદ ઝુબેર અલી હાસમી દ્વારા ઇવીએમ મેનેજમેન્ટ વિવિપેટ સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણીલક્ષી કામગીરીની સાથે પ્રત્યાયન પર કઈ રીતે જોર દઈને મતદાનના દિવસે બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો બીજી તરફ પોલીસ નિરીક્ષક તરીકે નિમણૂક પામેલા નાઝનીન ભસીને મતદાતા અને કર્મચારીઓને પ્રાથમિક સુવિધા મળે તે માટેની વ્યવસ્થા કઈ રીતે સુચારું રૂપથી અમલી કરી શકાય તેને લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
ચૂંટણી અધિકારીએ આપી વિગતો: જુનાગઢ 13 લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાની સાથે સોમનાથ કલેકટર ડી.ડી જાડેજા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સાથે સોમનાથ પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા ઉપસ્થિત બંને નિરીક્ષકો ને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મતદાનના દિવસ સુધીની તમામ કામગીરી કઈ રીતે કરવામાં આવશે તેનુ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. વધુમાં જુનાગઢ લોકસભા બેઠકમાં સમાવેશ સાત વિધાનસભા બેઠકમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરી અને મતદાનના દિવસે સાત વિધાનસભા માં કઈ રીતે મતદાન પ્રક્રિયાનું આયોજન થશે તે અંગેની તમામ માહિતી ઉપસ્થિત બંને નિરીક્ષકોને પૂરી પાડી હતી.