પોરબંદર: સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. ચૂંટણી પ્રચારથી લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે પોરબંદરમાં એક અપક્ષ ઉમેદવારે ચર્ચા જગાવી છે. અગાઉ આમ આદમી પાર્ટીમાં રહી ચુકેલા નાથાભાઈ ઓડેદરાએ થોડા દિવસો પહેલાં આપ માંથી છેડો ફાડ્યો હતો અને હવે તેઓ સીધા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં છે. નાથાભાઈ ઓડેદાર આ ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેઓ તેમની ઉમેદવારી નોંધાવવા આવ્યા ત્યારે કલેક્ટર કચેરીએ તેઓ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પોરબંદરમાં આજે લોકસભા સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે નાથાભાઈ ઓડેદરાએ ફોર્મ ભર્યું હતું, તે સમયે તેઓ મહેર સમાજના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતાં. માથા પર પાઘડી જોડણી અને સફેદ શર્ટ પહેરીને તેમણે કલેકટર કચેરીએ અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે નાથાભાઈ ઓડેદરાએ પરંપરાગત મહેર જ્ઞાતિના પહેરવેશની ઓળખ જાળવી રાખી લોકોમાં મહેર સમાજની આગવી સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. મહેર જ્ઞાતિમાં મણીયારા રાસ રમતા હોય છે ત્યારે આ પ્રકારે પુરુષો પહેરવેશમાં જોવા મળે છે.
મહત્વપૂર્ણ છેકે, પોરબંદરના મહેર જ્ઞાતિના યુવાનો દ્વારા રમવામાં આવતો મણીયારો રાસ આજે જગ પ્રસિદ્ધ છે અને મણીયારા રાષ્ટ્ર રમતી વખતે યુવાનો આ પ્રકારનો પહેરવેશ પહેરે છે, જેમાં ચોરણી અને સફેદ શર્ટ પહેરતા હોય છે. આ ઉપરાંત પાઘડી પણ હોય છે. શોર્યનું પ્રતીક ગણાતો આ મણિયારો રાસ જ્યારે યુદ્ધમાંથી વિજય પ્રાપ્ત થતો ત્યારે વિજયની ખુશીમાં રમવામાં આવતો અને શૂરવીરતાના ગીતો ગવાતા દુહા અને છંદ દ્વારા શૂરવીરોની ગાથા રજૂ કરવામાં આવતી હોય છે અને ઢોલ અને શરણાઈ સાથે આખો માહોલ અલગ જ બંધાય છે. ત્યારે આ મણીયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થઈ જાય છે અને હાલ વિશ્વભરમાં આ મણીયારો રાસ પોરબંદરનું ગૌરવ બન્યો છે. પોરબંદર લોકસભા સીટ પર અપક્ષ તરીકે ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા એ પરંપરાગત પહેરવેશમાં ફોર્મ ભરવા આવતા લોકોને પણ નવાઈ લાગી હતી અને સૌ કોઈએ તેમના આ અભિગને આવકાર્યો હતો.