રાજકોટ: રાજકોટ લોકસભાનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તેમનું ઉમેદવારી-પત્ર આજે રાજકોટ ચૂંટણી અધિકારી એટલે કે રાજકોટ જિલ્લા કલેકટર પભવ જોશીને આપ્યું, જેમાં તેમની સહિયારી મિલકત અંદાજે 17.43 કરોડ રૂપિયા હોવા છતાં, પરષોત્તમ રૂપાલાનાં નામે એક પણ દ્વિચક્રી વાહન કે મોટરકાર નથી પણ સ્વરક્ષણ અર્થે વિદેશી બનાવટની રિવોલ્વર છે. પરષોત્તમ રૂપાલાનાં નામે કરવામાં આવેલ નાણાકીય રોકાણ (બેન્કની થાપણો, શેર બજાર, મ્યુચ્યુલ ફંડ્સ અન્યને લોન પેટે આપેલ ઉધાર-ઉછીના) વગેરેની રકમ ૫ કરાેડ ૭૯ લાખ છે જ્યારે પત્ની સવિતાબેનનાં નામે કરવામાં આવેલ નાણાકીય રોકાણ અંદાજે ૫ કરાેડ ૭૧ લાખ છે.
રૂપાલાની મિલ્કત
- રૂપાલાની સહિયારી સ્થાવર અને જંગમ મિલ્કત 17.43 કરોડ રૂપિયા
- રૂપાલાની વાર્ષિક આવક 15.77 લાખ રૂપિયા
- પત્ની સવિતાબેન ની વાર્ષિક આવક 12.70 લાખ રૂપિયા
- પરષોત્તમભાઈનાં હાથ પરની રોકડ રકમ 18.89 લાખ રૂપિયા છે.
- જ્યારે પત્નીનાં હાથ પર ૯.13 લાખ રૂપિયાની રોકડ રકમ છે.
- અમરેલીમાં ખેતીની જમીનની માલિકી
- અમદાવાદ અને ગાંધીનગર ખાતે પત્નીનાં નામે જમીન-મકાન
- પરષોત્તમ રૂપાલા પાસે કુલ 2.67 લાખ રૂપિયાની કિંમતનું 45.494 ગ્રામ સોનુ
- 1.95 લાખની કિંમતનાં 2.958 કિલો ચાંદીના દાગીના
- 4.07 લાખની કિંમતનાં ચાંદીના વાસણો
- પત્ની સવિતાબહેન પાસે 81.72 લાખની કિંમતનાં 1.390 કિલો દાગીના
- 1.85 લાખ રૂપિયાની કિંમતનાં ચાંદીનાં દાગીના અને 4.53 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો
- પરષોત્તમ રૂપાલાનાં નામે પોતાનાં સ્વરક્ષણ માટે પરવાનાવાળી ૮૭,૫૦૦ રૂપિયાની કિંમતની વિદેશી બનાવટની બંદૂક
- રૂપાલાના નામે કોઈ મોટરકાર કે સ્કૂટર નહીં
આજરોજ રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે સૌ કોઈની નજર 19મી એપ્રિલ પર છે. જેમાં જો પરષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી નહિં ખેંચે તો તારીખ 20મી એપ્રિલ 2024ના રોજ રવિવારે ક્ષત્રિય સંકલન સમિતિ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈને આગળ ધપાવવી કે કેમ અથવા પછી ઘીનાં ઠામમાં ઘી પાડી દેવું અને રૂપાલાએ કરેલા સમાજવિરોધી વાંધાજનક નિવેદનો મુદ્દે તેમને માફ કરી દેવા, તે વિષે નિર્ણાયક બેઠક મળશે.
રવિવારે 14મી એપ્રિલ 2024નાં દિવસે રતનપર રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં રાજપૂતોએ 19મી એપ્રિલનું અલ્ટીમેટમ આપ્યાની જાહેરાત કર્યા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત, ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ સહીતનાં લોકો ક્ષત્રિય સંકલન સમિતિનાં 92 સભ્યોમાંથી 25 સભ્યોને સોમવારે રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને મળીને આ મુદ્દે સમાધાનકારી વલણ અપનાવવા પ્રયત્નો કર્યા હતા પણ ક્ષત્રિયોને રૂપાલાની ટિકિટ રદ કરવાથી ઓછું કાંઈ ખપતું નથી અને એટલેજ હવે સહુકોઈની નજર 20મી એપ્રિલ 2024નાં રવિવારનાં દિવસે અમદાવાદ (ગોતા) ખાતે મળનારી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પર છે.