દાદરાનગર હવેલી: ભાજપે આ વખતની ચૂંટણીમાં દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર શિવસેનાના સીટીંગ સાંસદને ભાજપમાંથી ટિકિટ આપી નવો દાવ ખેલ્યો છે. ગત 2021માં પેટા લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે શિવસેનાના સિમ્બોલ પરથી જીતેલા કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપે કલાબેન ડેલકરના નામની જાહેરાત કરતા જ ભાજપ કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું છે. કલાબેનને ભાજપે ટિકિટ આપતા તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતાં. કાર્યકરોએ સીટીંગ શિવસેના સાંસદ અને હવે ભાજપ પક્ષમાં સામેલ થતા અભિનંદન પાઠવ્યા હતાં.
કલાબેન મોહનભાઈ ડેલકર પરિવારનો રાજકીય ઇતિહાસ:
દાદરા નગર હવેલી લોકસભાની રિઝર્વ સીટ છે. હાલમાં અહીં શિવસેનાના કલાબેન ડેલકર સાંસદ છે. જેઓ 2021માં તેમના પતિ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ પેટા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી ચુક્યા છે. દાદરા નગર હવેલીમાં મોટેભાગે ડેલકર પરિવારે એકહથ્થુ શાસન ચલાવ્યું છે. પરંતુ કોંગ્રેસ-ભાજપની જીત પણ અહીં થતી રહી હોય દરેક ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવતા આવ્યા છે.
2019માં મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું તે વખતે ભાજપે નટુભાઈ પટેલને જ રિપીટ કર્યા જેને મોહન ડેલકરે હારનો સ્વાદ ચખાડી 7મી વખત સાંસદ બની રેકોર્ડ સર્જ્યો. 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર ભાજપના નટુભાઈ પટેલ સામે માત્ર 9001 મતની લીડથી વિજેતા બન્યા હતાં.
મોહનભાઈ ડેલકરના મોત બાદ તેમના પત્ની લડ્યા ચૂંટણી:
7મી વખત સાંસદ બનેલા મોહન ડેલકરે વર્ષ 2021માં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી એટલે એ જ વર્ષે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. શિવસેનાએ સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી હતી. જેની સામે ભાજપે મહેશ ગાવીતને, કોંગ્રેસે પ્રભુ ટોકિયા નામના ઉમેદવારોને મેદાને ઉતાર્યા. આ પેટા ચૂંટણીમાં 51,269 મતની લીડથી કલાબેન ડેલકરે ઐતિહાસિક જીત મેળવી નવો ઇતિહાસ રચ્યો હતો.
વર્ષ 2021માં જાહેર થયેલ મતદાર યાદી મુજબ દાદરા નગર હવેલીમાં કુલ 2.50 લાખ મતદારો હતાં. જેમાંથી શિવસેનાના કલાબેન ડેલકરને 1,18,035 મત મળ્યા હતાં. મતની સરેરાશ ટકાવારી 59.53 ટકા રહી હતી. અને 51,269ની ઐતિહાસિક લીડથી વિજય મેળવ્યો હતો. જેમને લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ટીકીટ આપતા અત્યારથી જ ભાજપ આ સીટ જીતી ગઈ હોવાની ખુશી ભાજપના કાર્યકરોમાં વર્તાઈ રહી છે.
અગાઉ પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત: ભાજપ તરફથી લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર માટે કલાબેન ડેલકરનું નામ ભાજપના કેન્દ્રીય મંડળે જાહેર કરતા કલાબેન નરેન્દ્ર મોદીનો, જે. પી. નડ્ડાનો અને અમિત શાહનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવસેના તરફથી ચૂંટણી લડેલા કલાબેન ડેલકર થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારે અને તે બાદ અમિત શાહની દાદરાનગર હવેલીની મુલાકાત દરમ્યાન લીધેલ શુભેચ્છા મુલાકાત બાદ તેઓ ભાજપમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જે આખરે ખરી સાબિત થઈ છે.