બારડોલીઃ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે આ યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 8 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વર્તમાન 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને મેદાને ઉતાર્યા છે.
કોણ છે સિદ્ધાર્થ ચૌધરીઃ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી જેઓ તાપી જિલ્લામાંથી આવે છે. તેઓ માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ચૌધરીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી વ્યારા બેઠક પરથી તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ બી. ચૌધરીને હરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સિદ્ધાર્થ ચૌધરીનો જન્મ 21 જાન્યુઆરી 1977 ના રોજ થયો હતો. તેમના પિતા અમરસિંહ ચૌધરી વર્ષોથી રાજનીતિ સાથે સંકડેયેલા છે અને આદિવાસી સમાજના અનેક પ્રશ્નોને લઈ વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા છે.
સિધ્ધાર્થ ચૌધરીની રાજકીય-સામાજીક કારકિર્દી
- શ્રી ખેડૂત સહકારી જીન ડિરેક્ટર વ્યારા
- સુમુલ ડેરી, સૂરતના ડિરેક્ટર
- સભ્ય ગુજરાત ખેતી વિકાસ પરિષદ
- સભ્ય જેસિંગપુર દૂધ મંડલી લિમિટેડ
- સભ્ય જાગૃતિ સેવા સમાજ - વેરા
સિદ્ધાર્થ ચૌધરીની રાજકીય કારકિર્દી
- તાલુકા પંચાયતના પ્રમુખ - વ્યારા (2018-2020)
- સભ્ય તાપી જિલ્લા પંચાયત (2010-2015)
- ઉપપ્રમુખ સુરત જિલ્લા યુથ કોંગ્રેસ (2005-2009)
- મહામંત્રી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ