નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે, આ યાદીમાં ગુજરાતમાં લોકસભાની વઘુ 3 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે અનુસાર સુરેન્દ્રનગરથી રૂત્વિક મકવાણા, જુનાગઢથી હિરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને અત્યાર સુધીમાં 12મી યાદી જાહેર કરી છે. જે પૈકી ગુજરાતની 26 લોકસભાની બેઠક માંથી 20 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ચુકી છે. રૂત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે, જૂનાગઢ બેઠક પર જાહેર કરાયેલા ઉમેદવાર હીરાભાઈ જોટવા ગઈ વિધાનસભા ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી લડ્યા હતાં પરંતુ તેમની ખુબ ખરાબ રીતે હાર થઈ હતી. આ ઉપરાંત વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કર્યુ છે તેવા જશપાલ સિંહ પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો.
કોણ કોને આપશે ટક્કરઃ હવે આ લોકસભા 2024ની ચૂંટણીમાં જુનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાનો સામનો ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સાથે જશે. જ્યારે વડોદરા બેઠક પર કોંગ્રેસના જસપાલ સિંહ પઢિયાર સામે ભાજપના ડોક્ટર હેંમાગ જોશીને ટક્કર થશે. તો સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના રૂત્વિક મકવાણાનો સામનો ભાજપના નવા ચહેરા તરીકે ચંદુભાઈ શિહોરા સાથે થવાનો છે.