ભરૂચ: છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે મહેશ વસાવાનો ભાજપમાં જોડાવવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. આમ તો છેલ્લાં ઘણા દિવસથી અંદરખાને આ અંગેની કવાયત ચાલતી હતી પરંતુ હવે ખુલીને બધુ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, 4 માર્ચ સોમવારે મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવાએ ભાજપ આ મુદ્દે નિશાન સાધ્યું હતુ અને પોતાના પુત્ર મહેશને નાસમજ હોવાનું ગણાવ્યું હતું.
BTP અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે. આ અટકળો વચ્ચે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી અને આ મુલાકાતના ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કર્યા હતા. ત્યારે આજ રોજ ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોદરિય, દૂધધારા ડેરીની ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા મહેશ વસાવાના ફાર્મ હાઉસમાં એક ખાસ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત ઘણું બધું મહેશ વસાવા અને ભાજપ વિશે કહી જાય છે. ત્યારે આ મુલાકાતની તસ્વીરો પણ સામે આવી છે.
ભાજપ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનાર સમયમાં ભાજપના કોઈ મોટા કાર્યક્રમના BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને તેમના કાર્યકર્તા ભાજપમાં જોડાશે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા પછી મનસુખ વસાવા માટે પ્રચાર કરશે અને ચૈતર વસાવાના મતો આંચકીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને અપાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.