પટના: બિહારમાં રાજકીય ગરમાવો આજે ચરમસીમાએ છે. બિહાર વિધાનસભામાં આજે એટલે કે, સોમવારે, 12મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નીતીશકુમાર સરકારનો ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે. બિહારમાં ફ્લોર ટેસ્ટને લઈને ભારે હંગામો ચાલી રહ્યો છે. સવારે 11 વાગ્યાથી વિધાનસભા સત્રની કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના સંબોધન બાદ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ NDA ધારાસભ્યોના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવનાર છે. શાસક પક્ષે 128 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગૃહ 'ખેલા' થશે. જેનાથી નક્કી થશે કે બિહારમાં એનડીએની સરકાર રહેશે કે મામલો બગડશે. કારણ કે હાલમાં જે રાજકીય માહોલ દેખાઈ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને પક્ષો તરફથી જોડ-તોડના જબરદસ્ત પ્રયાસો થઈ રહ્યા છે.
લખાઈ રહી છે 'ખેલા'ની સ્ક્રિપ્ટ : એક તરફ JDUની બેઠકમાં સાત ધારાસભ્યો ન આવવા છતાં સબ સલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આરજેડી આજે મોટો દાવ રમવાની વાત કરી રહી છે. તેજસ્વી યાદવે આ દાવો સીએમ નીતિશ કુમારના શપથ ગ્રહણ બાદ જ કર્યો હતો. ત્યાર બાદ બેઠકોનો દોર શરૂ થયો અને કોંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષિત રાખવાના હેતુથી હૈદરાબાદ મોકલવામાં આવ્યા.
તેજસ્વીના નિવાસે મહાગઠબંઘનના ધારાસભ્યોનો જમાવડો: હવે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદથી પરત ફર્યા છે, તો તેઓ સીધા તેજસ્વી યાદવના નિવાસસ્થાને શિફ્ટ થઈ ગયા છે. એનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે હવે આરજેડી અને કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. બીજી તરફ જેડીયુના ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીની બેઠકમાંથી ગાયબ જોવા મળી રહ્યા છે. જો કે, જેડીયુનું કહેવું છે કે તમામ ધારાસભ્યો સાથે છે અને વિવિધ કારણોસર બેઠકમાં પહોંચી શક્યા નથી.
ભાજપના ધારાસભ્યોમાં પણ અસંતોષ? : ગયામાં ભાજપની વર્કશોપમાં 2 ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં છે, પરંતુ એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે નારાજગીના કારણે બંને વર્કશોપમાં હાજર ન હતા. જો કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે તેઓ બહુમત સાથે વિશ્વાસ મત જીતશે. ભાજપના તમામ ધારાસભ્યો ત્રણ બસ દ્વારા પટના પહોંચ્યા છે.