ભરૂચ: ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. મનસુખ વસાવા 6 ટર્મથી ભરૂચના સાંસદ છે. ભાજપ દ્વારા તેમને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર જોવા મળશે. મનસુખ વસાવા 1989થી આ બેઠક પરથી સતત જીતતા આવ્યા છે.
મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ: ભરૂચ લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તેવી અટકળોનો અંત આવ્યો. ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મનસુખ વસાવા 1989થી સતત આ બેઠક પરથી 6 ટર્મથી જીતતા આવ્યા છે અને લોકસભાના સાંસદ બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
કાર્યકર્તાઓમાં ઉત્સાહ: મનસુખ વસાવાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાંની સાથે ભરૂચ જિલ્લા ભાજપ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મનસુખ વસાવાનું નામ જાહેર થતાં જ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને મનસુખ વસાવાએ મોં મીઠું કરાવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
ચૈતર વસાવા આપના ઉમેદવાર: આ વખતે ભરૂચ લોકસભાની બેઠક પર વસાવા v/s વસાવાની ચૂંટણી જંગ જોવા મળશે. ઈન્ડિયા એલાઇન્સના ઉમેદવાર તરીકે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બંને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે.