બનાસકાંઠા: ભાજપ દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. ડો. રેખાબેન ચૌધરીને બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ટિકિટ મળતા જ રેખાબેન ચૌધરી પાલનપુર ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સૌનો આભાર માન્યો હતો.
બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ ડો. રેખાબેન ચૌધરીએ રાષ્ટ્રીય નેતૃત્વ વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે એક મહિલાને ટિકિટ આપી ભાજપે નારી શક્તિનું સન્માન કર્યું છે.
શા માટે કરાઈ પસંદગી:
બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજનો દબદબો વધુ જોવા મળે છે. એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી મહિલા વોટબેન્કને ધ્યાને રાખીને પણ કરવામાં આવી છે કારણ કે બનાસકાંઠા જિલ્લા સૌથી વધુ પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વનો માનવામાં આવે છે. અને મોટા ભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે.
કોણ છે રેખાબેન ચૌધરી ?
રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. ડો. રેખાબેન ચૌધરી બનાસડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. તેમણે એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય જોવા મળે છે.