પાટણ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હજી સુધી પાટણ બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી નથી, ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડી જીતી શકે તે માટે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ દ્વારા પાટણ ખાતે જિલ્લા કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મંડળોના પ્રમુખ,ઉપપ્રમુખ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં બે ઠરાવો પર સંમતિ: કારોબારી બેઠકમાં સર્વાનુમતે બે ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા પાંચ વચનો મતદારોના ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારની પસંદગી કરી ટિકિટ આપવામાં આવે તેને સહ સ્વીકારી કામે લાગવા અનુરોધ કરાયો હતો. લોકસભાની ચૂંટણી સંદર્ભ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાટણ જિલ્લાનું પ્લાનિંગ અને રણનીતિની સ્પેશ્યલ જવાબદારી ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સોંપવામાં આવી છે.
કોંગ્રેસમાં કેટલીક ફુટેલી તોપો છે: ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં પણ કેટલીક ફૂટેલી તોપો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં આવીને આગલી હરોળમાં બેસી જવું અને પાછલા બારણે ભાજપ સાથે સેટિંગ કરીને ઉમેદવારને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ લોકો ઉધઈની જેમ પાર્ટીને કોરી ખાય છે.આવા લોકોથી ચેતવાની જરૂર છે. કોંગ્રેસના સાચા અને મજબૂત કાર્યકરોને આ વખતે ચૂંટણીલક્ષી જવાબદારીઓ આપવામાં આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટણી પૈસાના જોરે જીતાતી નથી. ચૂંટણી મેનેજમેન્ટ અને પ્લાનિંગથી જીતાય છે.
મહત્વપૂર્ણ છે કે, પાટણ ખાતે યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં પાટણ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે દિપક પટેલ અને સિદ્ધપુર શહેર કોંગ્રેસ તરીકે કિરણજી ઠાકોરની વરણી કરાઈ હતી તમામ આગેવાનો કાર્યકરો એ બંને શહેર પ્રમુખોને આવકાર્યા હતા.