ઇઝરાયેલ : દક્ષિણ લાલ સમુદ્રમાંથી મુસાફરી કરી રહેલા જહાજ પર મંગળવારે વહેલી સવારે શંકાસ્પદ યમન હુથી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સત્તાધારીઓએ જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં હમાસ પર ઇઝરાયેલના યુદ્ધના જબાવમાં જહાજોને નિશાન બનાવતા તેમના અભિયાન અંતર્ગત આ હુમલો હતો.
બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે, આ હુમલો યમનના હોડેડાના પશ્ચિમ વિસ્તારમાં થયો હતો. આ હુમલામાં જહાજના બ્રિજની બારીઓને થોડું નુકસાન થયું હતું. હુમલા પહેલા એક નાની બોટ જહાજની નજીક હતું.
ખાનગી સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જહાજની ઓળખ યુનાઇટેડ કિંગડમની માલિકીના બાર્બાડોસ-ધ્વજવાળા કાર્ગો જહાજ તરીકે કરી હતી. જહાજ પર ઉપસ્થિત લોકોમાંથી કોઈને ઈજા થઈ ન હતી. જોકે જહાજને નાનું નુકસાન થયું હતું. આ હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈ જૂથે લીધી નથી. જોકે, આ હુમલા પાછળ યમનમાં ઈરાની સમર્થિત હુથી બળવાખોરોનો હાથ હોવાની શંકા છે.
હમાસ સામે ગાઝામાં ઇઝરાયેલના આક્રમણને લઈને વર્ષ 2023, નવેમ્બર માસથી હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં વારંવાર જહાજોને નિશાન બનાવ્યા છે. હુથી બળવાખોરોએ ઇઝરાયેલ સાથે નાજુક અથવા સ્પષ્ટ કડીઓ ધરાવતા જહાજોને વારંવાર નિશાન બનાવ્યા છે. આ હુમલા એશિયા, મધ્યપૂર્વ અને યુરોપ વચ્ચેના વેપાર માટેના મુખ્ય માર્ગમાં શિપિંગ માટે જોખમી સાબિત થયા છે.
તાજેતરના અઠવાડિયામાં US અને યુનાઇટેડ કિંગડમે અન્ય સહયોગીઓના સહયોગથી હુથી બળવાખોરોને ટાર્ગેટ કર્યા છે. હુથી જૂથના મિસાઇલ શસ્ત્રાગાર અને પ્રક્ષેપણ સાઇટ્સને નિશાન બનાવીને US અને યુનાઇટેડ કિંગડમે હવાઈ હુમલા શરૂ કર્યા છે.
US અને બ્રિટને શનિવારે યમનમાં 36 હુથી જૂથના લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. જોર્ડનમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. જેના જવાબમાં US અને બ્રિટને ઈરાક અને સીરિયામાં શુક્રવારે હવાઈ હુમલો કરી અન્ય ઈરાની સમર્થિત લશ્કર અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડને નિશાન બનાવ્યા હતા.
US સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે સોમવારના હુથી જૂથ પરના હુમલાને સ્વીકાર્યો હતો. જેમાં તેઓએ વિસ્ફોટકોથી ભરેલી બે હુથી ડ્રોન બોટ પર હુમલો કર્યો હતો. US સૈન્યએ જણાવ્યું હતું કે, અમેરિકન દળોએ નિર્ધારિત કર્યું છે કે તેઓ આ પ્રદેશમાં US નેવીના જહાજો અને વેપારી જહાજોને ખતરો રજૂ કરશે. આ કાર્યવાહીથી નેવિગેશનની સ્વતંત્રતાનું રક્ષણ કરશે અને US નેવીના જહાજો અને વેપારી જહાજો માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને વધુ સુરક્ષિત બનાવશે.