પાકિસ્તાન : હાલમાં જ પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર આજે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં લગભગ 20 લોકોના મોત થયા છે. સાથે જ 30 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે.
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ : ઘટનાની જાણકારી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તપાસ શરૂ કરી છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પ્રારંભિક અહેવાલ સૂચવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી.
કોણે કર્યો આતંકી હુમલો ? ક્કવેટા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી રહે છે.
ઈમરજન્સી લાગુ કરી : હાલની સ્થિતિને જોતા ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. સાથે જ તમામ ડોકટરો અને હોસ્પિટલના કર્મચારીઓને ઇમરજન્સી માટે બોલાવવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે, કારણ કે ગંભીર રીતે ઘાયલ લોકોની હાલત અત્યંત નાજુક છે.
રાષ્ટ્રપતિએ કરી મોટી જાહેરાત : બીજી તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, જેણે પણ આ કૃત્ય કર્યું છે તે માનવતાનો દુશ્મન છે. તેઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. તેમને ખતમ કરીને અમે શાંતિથી બેસીશું.