ઇન્ડિયાના: રવિવારથી ગુમ થયેલા અને પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, ટીપ્પેકેનો કાઉન્ટીના કોરોનરના જણાવ્યા અનુસાર સંભવિત મૃતદેહ માટે અધિકારિઓને રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસની એક ટીમ વેસ્ટ લાફાયેટના 500 એલિસન રોડ પર આવી પહોંચી હતી.
કોણ છે ભારતીય વિદ્યાર્થી: પરડ્યુ યુનિવર્સિટીના કેમ્પસમાં એક યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો, આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલા અધિકારીઓએ મૃતકની ઓળખ નીલ આચાર્ય તરીકે કરી છે. મૃતક વિદ્યાર્થીની માતાએ સોશિયલ મીડિયા એક્સ પર રવિવારે એક પોસ્ટ પર અપીલ કરી કે 'અમારો દિકરો નીલ આચાર્ય 28 જાન્યુઆરી થી ગૂમ છે', તે અમેરિકામાં પડર્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. એક ઉબર ડ્રાઈવરે તેને છેલ્લી વખત પર્ડ્યુ યુનિવર્સિટીમાં ઉતાર્યો હતો.
ભારતીય દૂતાવાસે આપ્યું મદદનું આશ્વાસન: શિકાગોમાં ભારતીય દૂતાવાસે એક્સ પર તેમની પોસ્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે, "વાણિજ્ય દૂતાવાસ પરડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓ અને નીલના પરિવાર સાથે પણ સંપર્કમાં છે. વાણિજ્ય દૂતાવાસ તમામ શક્ય સહયોગ અને મદદ કરશે."
ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટી: યુનિવર્સિટીની સ્વતંત્ર મલ્ટીમીડિયા એજન્સી પરડ્યુ એક્સપોનન્ટના જણાવ્યા અનુસાર, સોમવારે યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વચગાળાના CS હેડ ક્રિસ ક્લિફ્ટને મળેલા એક ઈમેલ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકો સમક્ષ નીલ આચાર્યની મૃત્યુની પુષ્ટી કરવામાં આવી હતી.
અસલામત અમેરિકા ? નોંધનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાના જ્યોર્જિયાના લિથોનિયામાં એક સ્ટોરની અંદર એક અજાણ્યા વ્યક્તિએ હથોડા વડે એક ભારતીય વિદ્યાર્થીની નિર્દયતાથી હત્યા કર હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, પરંતુ ઘટનાની તારીખની પુષ્ટિ થઈ શકી નથી. હુમલો કરતા જોવામાં આવેલો વ્યક્તિ કથિત રીતે બેઘર ભીક્ષુક જણાતો હતો.