રશિયા : રક્ષા મંત્રી રાજનાથ સિંહ સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. રવિવારે મોડી રાત્રે રશિયામાં ભારતીય રાજદૂત વેંકટેશ કુમાર અને રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાન્ડર ફોમિને રાજનાથ સિંહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય નૌકાદળમાં સ્ટીલ્થ યુદ્ધ જહાજને સામેલ કરવાના સાક્ષી બનશે અને મિલિટરી ટેકનિકલ કોઓપરેશન પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકમાં ભાગ લેશે.
રશિયાના પ્રવાસે રાજનાથ સિંહ : રશિયાના મોસ્કોની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માર્યા ગયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકના સમાધિ' પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત : રશિયાની મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મહત્વપૂર્ણ વાતચીત કરશે. આ સાથે તેઓ રશિયાના રક્ષા મંત્રી આંદ્રે બેલોસોવ સાથે ભારત-રશિયા ઇન્ટર-ગવર્નમેન્ટલ કમિશન ઓન મિલિટરી-ટેક્નિકલ કો-ઓપરેશનની (IRIGC M&MTC) સહ-અધ્યક્ષતા કરશે.
INS તુશીલના કમિશનિંગ સમારોહ : રશિયામાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોસ્કોમાં રાજદૂત અને રશિયાના નાયબ રક્ષા મંત્રી એલેક્ઝાંડર ફોમિને સ્વાગત કર્યું. રાજનાથ સિંહ રશિયામાં ભારતીય સમુદાયને પણ મળશે. સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ પુતિનને મળશે અને તેમના રશિયન સમકક્ષ સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે IRIGC M&MTC બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. તે INS તુશીલના કમિશનિંગ સમારોહમાં પણ ભાગ લેશે.
ભારત-રશિયા આંતર-સરકારી આયોગ બેઠક : રશિયામાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું છે કે, આ મુલાકાતનો ઉદ્દેશ્ય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને અનુરૂપ ભારત-રશિયા સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે. અગાઉ શનિવારે રાજનાથ સિંહે X પર તેમની રશિયાની યાત્રા વિશે એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, તેઓ ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકમાં ભાગ લેવા 8 ડિસેમ્બરે રશિયા જશે.