પાકિસ્તાન : 25 માર્ચ સોમવારની રાત્રે બલૂચના સશસ્ત્ર આતંકવાદીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત એક મુખ્ય નૌકાદળના હવાઈ મથકોમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાક સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો અને છ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે.
નેવલ એરબેઝ પર આતંકી હુમલો : ઓછી વસ્તીવાળા બલૂચિસ્તાન પ્રાંતના તુર્બતમાં થયેલા આ હુમલા અંગે મકરાનના કમિશનર સઈદ અહમદ ઉમરાનીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ PNS સિદ્દીક નેવલ એર બેઝ પર સશસ્ત્ર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ એરબેઝ દેશના સૌથી મોટા નૌકાદળના હવાઈ મથકોમાંનું એક છે. સશસ્ત્ર આતંકવાદીઓએ એરબેઝ પર ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી અને પરિસરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
છ આંતકવાદી ઠાર : પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેમને આખી રાત ગોળીબાર અને વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. એક સુરક્ષા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેઓ એરબેઝ અથવા એરોપ્લેનને કોઈ નુકસાન પહોંચાડવામાં સમર્થ નહોતા. અધિકારીએ જણાવ્યું હતું કે, નૌકાદળના સંવેદનશીલ વસ્તુઓ અથવા સુવિધાને કોઈ નુકસાન થયું નથી.
આ વર્ષનો ત્રીજો હુમલો : પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, આ હુમલા પાછળ તેમની મજીદ બ્રિગેડનો હાથ હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા બલૂચિસ્તાનમાં આ વર્ષે સુરક્ષા દળ અને તેના મથક પર આ ત્રીજો મોટો હુમલો છે. પ્રથમ બે હુમલાના પ્રયાસને પણ સુરક્ષા દળોએ નિષ્ફળ કર્યા હતા.
પ્રથમ હુમલો : વર્ષની શરૂઆતમાં માચ શહેરમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા હતા. પરંતુ માચ જેલને તોડવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.
બીજો હુમલો : ગત 24 માર્ચના રોજ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર થયેલા હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. સુરક્ષા દળોએ ગોળીબારમાં પ્રતિબંધિત અલગતાવાદી જૂથના આઠ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
બલૂચિસ્તાન લિબરેશન આર્મી : ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલૂચિસ્તાનમાં લાંબા સમયથી હિંસક બળવો ચાલી રહ્યો છે. બલૂચ વિદ્રોહી જૂથોએ અગાઉ 60 બિલિયન અમેરિકન ડોલરના CPEC પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. BLAએ ચીન અને ઇસ્લામાબાદ પર સંસાધન-સંપન્ન પ્રાંતના શોષણનો આરોપ મૂક્યો છે. આ આરોપ સત્તાવાળાઓએ નકારી કાઢ્યો છે.
BLA ની મજીદ બ્રિગેડ : વર્ષ 2011 માં રચવામાં આવેલ મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો ઘાતક ગોરિલા સેલ છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જૂથ પાકિસ્તાન-ઈરાન સરહદ સાથેના વિસ્તારોમાં આશ્રયસ્ચાન જાળવી રાખે છે. મજીદ બ્રિગેડ BLA ની આત્મઘાતી ટુકડી છે. તે મોટાભાગે પાકિસ્તાનમાં સુરક્ષા દળો અને ચીનના હિતોને નિશાન બનાવે છે. તેણે કરાચી યુનિવર્સિટીની કન્ફ્યુશિયસ સંસ્થાની બહાર એપ્રિલ 2022 માં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી.