વોશિંગ્ટન: યુએસ કોર્ટે એક 24 વર્ષીય ભારતીયને 51 મહિનાની જેલની સજા ફટકારી છે. યુએસ એટર્નીએ જણાવ્યું હતું કે, આ ભારતીયએ એક વૃદ્ધ અમેરિકન મહિલાને કોમ્પ્યૂટર હેકિંગ સ્કીમ દ્વારા 1,50,000 ડોલરની છેતરપીંડી કરી છે. આ ઘટના ડિસેમ્બર 2023માં બની હતી જેમાં હરિયાણાના સુખદેવ વૈદને દોષી ઠેરવવામાં આવ્યો છે.
USD 1.2 મિલિયનથી વધુની છેતરપીંડીઃ યુ.એસ.ના એટર્ની જેસી લાસ્લોવિચે જણાવ્યું હતું કે, આરોપીએ ઈન્ટરનેશનલ કોમ્પ્યૂટર હેકિંગ સ્કીમ દ્વારા વૃદ્ધ અમેરિકન મહિલા સાથે છેતરપીંડી કરી હતી. આરોપીએ આ વૃદ્ધ અમેરિકન મહિલા ઉપરાંત દેશભરમાં વૃદ્ધ અમેરિકન નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ ગુનામાં કુલ USD 1.2 મિલિયનથી વધુની છેતરપીંડી થઈ હતી. યુએસ કોર્ટે બુધવારે આદેશ આપ્યો હતો કે આરોપી વૈદને બ્યૂરો ઓફ કસ્ટમ્સ એન્ડ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના રિમાન્ડ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત વૈદને 12, 36,470 અમેરિકન ડોલર્સ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
એફબીઆઈનો આભાર માન્યોઃ યુ.એસ.ના એટર્ની જેસી લાસ્લોવિચે જણાવ્યું હતું કે, આપણા દેશના નાગરિકોને દેશ બહારના લોકોની છેતરપીંડીનો ભોગ બનવું સામાન્ય થઈ ગયું છે. ખાસ કરીને સાયબર ચીટિંગ બહુ થાય છે. એફબીઆઈની યોગ્ય કાર્યવાહી અને ફરજ નિષ્ઠાને પરિણામે આરોપી વૈદ ફેડરલ જેલમાં જઈ રહ્યો છે. હું એફબીઆઈની આભારી છું.
'ફેન્ટમ હેકર': સરકારી વ્યક્તિઓ અને અન્ય નાગરિકોના કોમ્પ્યૂટર અને અંગત માહિતીની ઍક્સેસ મેળવવા માટે 'ફેન્ટમ હેકર' સ્કેમ કરે છે. કમનસીબે આ કૌભાંડો વધુને વધુ અમારા સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. સોલ્ટ લેક સિટી એફબીઆઈના ચાર્જમાં સ્પેશિયલ એજન્ટ શોહિની સિન્હાએ જણાવ્યું હતું કે, સ્કેમરે પીડિતાના પૈસા રૂબરૂ મેળવવા માટે વિદેશ પ્રવાસ કર્યો હતો.
કોર્ટમાં પીડિતાનું નિવેદનઃ ફ્લેટ હેડ કાઉન્ટી શેરિફ બ્રાયન હેનોએ જણાવ્યું હતું કે, તમામ નાગરિકો માટે એક રીમાઇન્ડર છે કે આ કૌભાંડો વારંવાર થાય છે અને તે ઘાતક હોઈ શકે છે. હું દરેકને સાવચેત રહેવા વિનંતી કરું છું. અજાણ્યા લોકોને તમારા કમ્પ્યુટર, બેન્ક એકાઉન્ટ અથવા વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવાની મંજૂરી આપશો નહીં. તેમણે કહ્યું કે, મોન્ટાના પીડિતાએ કોર્ટને આપેલા નિવેદનમાં બહુ લાચારી વ્યક્ત કરાઈ છે. જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે, મને ખબર નથી કે હવે હું સુરક્ષિત છું કે નહિ, હું કોના પર વિશ્વાસ કરી શકું.
મોટું આર્થિક નુકસાનઃ મોન્ટાનાની બહારની એક પીડિતાએ કોર્ટમાં લેખિતમાં આપ્યું કે, હું 2007ની કાર ચલાવું છું, અને આ છેતરપીંડીને પરિણામે હું નવી કાર ખરીદી શકાતી નથી. જીવનનિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે. જેને નિશ્ચિત આવકમાં પહોંચી વળવું શક્ય નથી. મને ખાતરી નથી કે હું ફરીથી ક્યારેય માનસિક શાંતિ મેળવી શકીશ અને અન્ય લોકો પર વિશ્વાસ કરીશ. આનાથી મને કોઈપણ નાણાકીય નુકસાન કરતાં વધુ ખર્ચ થયો છે.
એફબીઆઈએ છટકુ ગોઠવ્યુંઃ સરકારે કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, ભારતનું એક મોટું સંગઠન વૃદ્ધ અમેરિકનો પાસેથી USD 12,36,470ની છેતરપીંડીમાં સામેલ હતું. મોન્ટાના કેસ ફેબ્રુઆરી 2023માં બન્યો હતો. જયારે ગ્લેશિયર બેન્કે એફબીઆઈને સૂચિત કર્યું કે કેલિસ્પેલમાં 73 વર્ષીય મહિલા જેન ડો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કૌભાંડની જાણ થયા પછી, એફબીઆઈએ એક છટકું ગોઠવીને આરોપીને જબ્બે કર્યો હતો. એફબીઆઈએ જેન ડોએ સાથે છેતરપીંડી કરનારાઓને કહ્યું કે તેની પાસે હજુ પણ USD 50,000 રોકડા છે. આ છટકામાં આરોપી આબાદ ઝડપાઈ ગયો.
અલ્ટ્રાવ્યૂઅર સોફ્ટવેરનો દૂરઉપયોગઃ આરોપી વૈદ ફ્લોરિડાના એડલી જોસેફ સાથે નાણાં લેવા માટે મોન્ટાના આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપીંડી કરનારાઓએ અલ્ટ્રાવ્યૂઅરનો ઉપયોગ કરીને જેન ડોએના કમ્પ્યૂટરને રિમોટલી એક્સેસ કર્યું હતું. અલ્ટ્રાવ્યૂઅર જેન ડોએના કોમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરાયું હતું. જોસેફને આ કેસમાં દોષિત ઠેરવવા બદલ અગાઉ 2 વર્ષ અને 9 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ માહિતી એક મીડિયા રિલીઝમાં જણાવાઈ હતી.