લંડન : મગજની કનેક્ટિવિટી કેવી રીતે વધારી શકાય છે તે અંગે એક અભ્યાસમાં ખુલાસો થયો છે. તાજેતરના આ અભ્યાસ અનુસાર જો તમે મગજની કનેક્ટિવિટી વધારવા માંગતા હોવ તો કીબોર્ડ પર ટાઈપ કરવાને બદલે હાથથી લખવાનું પસંદ કરો.
મોટાભાગના લોકો કીબોર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે હાથથી લખવા કરતાં ઘણી વખત ઝડપી હોય છે. જોકે હાથ વડે લખવાથી જોડણીની ચોકસાઈ અને યાદશક્તિમાં સુધારો થતો જોવા મળ્યો છે. નોર્વેના સંશોધકોએ હાથ વડે અક્ષર લખવાની પ્રક્રિયાના કારણે મગજની કનેક્ટિવિટીમાં સુધારો જોવા મળે છે કે કેમ તે જાણવા માટે લેખનની બંને પદ્ધતિઓમાં સામેલ અંતર્નિહિત તંત્રિકા એટલે કે નસોના ન્યુરલ નેટવર્કની તપાસ કરી હતી.
નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના મગજ સંશોધક પ્રોફેસર ઓડ્રે વાન ડેર મીરે જણાવ્યું હતું કે, આપણે જોઈએ છીએ કે જ્યારે હાથથી લખીએ છીએ ત્યારે મગજની કનેક્ટિવિટી પેટર્ન કીબોર્ડ પર ટાઈપ કરતા સમયની તુલનામાં વધુ જટિલ હોય છે. આવી વ્યાપક મગજની કનેક્ટિવિટીને મેમરીની રચના અને નવી માહિતીના એન્કોડિંગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેથી શીખવા માટે ફાયદાકારક છે.
ફ્રન્ટિયર્સ ઇન સાઇકોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ટીમે 36 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી EEG ડેટા એકત્ર કર્યો હતો. જેમને સ્ક્રીન પર દેખાતા શબ્દને વારંવાર લખવા અથવા ટાઈપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. લખતી વખતે તેઓ ટચસ્ક્રીન પર સીધા જ કર્સિવમાં લખવા માટે ડિજિટલ પેનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ટાઇપ કરતી વખતે તેઓ કીબોર્ડ પર કી દબાવવા માટે એક આંગળીનો ઉપયોગ કરતા હતા.
હાઈ-ડેંસિટી EEG એ 256 નાના સેન્સરનો ઉપયોગ કરીને મગજમાં વિદ્યુત ગતિવિધિઓ માપી અને તેને માથા પર મૂકીને દરેક સિગ્નલ માટે પાંચ સેકન્ડ માટે રેકોર્ડિંગ કર્યું હતું. જર્નલ ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા પરિણામ દર્શાવે છે કે જ્યારે સહભાગીઓ હાથથી લખે છે ત્યારે મગજના વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધે છે, પરંતુ જ્યારે તેઓ ટાઈપ કરે છે ત્યારે એવું થયું નહીં.
આ અભ્યાસથી એ પણ જાણવા મળ્યું કે, જે બાળકો ટેબ્લેટ પર વાંચતા અને લખતા શીખ્યા છે. તેમને 'b' અને 'd' જેવા એકબીજાના મિરર ઈમેજ હોય તેવા અક્ષરો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી પડી શકે છે. મગજના સંશોધક પ્રોફેસરે કહ્યું કે, તેઓએ ખરેખર તેમના શરીર સાથે અનુભવ્યું નથી કે તે અક્ષરને લખવામાં કેવું લાગે છે.