અમદાવાદ: શહેરમાં 29 જુલાઇ ના રોજ સૌને ગમે તેવી ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું આ ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે.
ટ્રેલર લોન્ચ: વર્ષ 2022માં, જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' પ્રેક્ષકોના ખુબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઇ હતી, ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વલ 'ફક્ત પુરૂષો માટે' આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયો: 29 જુલાઈના રોજ, જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું. પોતાના પૌત્રના લગ્નને રોકવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતા વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં, ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ મળે છે.
ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન: આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ 'કોમેડી ઓફ એરર્સ' આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે. તેમની અગાઉની ફિલ્મ ‘ત્રણ એક્કા’ (2023) પણ ધમાકેદાર હિટ રહી હતી.
આનંદ પંડિત જણાવે છે, " 'ફક્ત મહિલાઓ માટે 'ની જેમ, તેની સિક્વલ પણ રિલેવન્ટ મુદ્દાઓને હળવાશથી સંબોધિત કરે છે. જેન્ડર ઇક્વાલિટી( લિંગ સમાનતા) અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃસત્તાને અપનાવે છે. પ્રશંસકોએ જે રીતે ટ્રેલરને પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમે ખુશ છીએ. આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાયા છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું."
વૈશાલ શાહે ટ્રેલરન લોન્ચ થયા બાદ જણાવ્યું કે, "કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત 'ફક્ત મહિલાઓ માટે'ની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે, પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે. અમે ઇચ્છીએ છીએ કે, દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેઈનરના સાક્ષી બને. એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે."