નવી દિલ્હીઃ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે ક્રિકેટ જગતના મોટા સ્ટાર પ્લેયર્સ ગુજરાત પહોંચી રહ્યા છે. આ પ્રી-વેડિંગ માટે પહોંચેલા ક્રિકેટર્સમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઘણા ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ મુકેશ અને નીતા અંબાણીની ટીમ છે. આ વખતે તેની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં છે જ્યારે મુંબઈએ રોહિત શર્માની કપ્તાનીમાં 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના પૂર્વ ક્રિકેટર કૃણાલ પંડ્યા પણ આ ફંકશનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ કાર્યક્રમ માટે પંડ્યા બંધુઓ એકસાથે પધાર્યા છે.
આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. સચિન તેંડુલકર પણ જામનગર પહોંચી ગયો છે. તેંડુલકર પોતાના પરિવાર સાથે આ ફંક્શનમાં પહોંચ્યો છે. સચિન IPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હતો.
હાલમાં જ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયેલો મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી ઈશાન કિશન પણ અહીં આવી પહોંચ્યો છે. ઈશાન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર દેવેન બ્રાવો પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આ ફંક્શનમાં સૂર્યકુમાર યાદવ પણ પત્ની સાથે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ઝહીર ખાન તેમજ ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના પણ ત્યાં પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન 1થી 3 માર્ચ સુધી ચાલવાનું છે. આ કાર્યક્રમમાં ક્રિકેટરો ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે.