અમદાવાદ: ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા "અંડરવર્લ્ડ" વિષય પર બનેલી ફિલ્મ "સમંદર" થિયેટરમાં 17 મેના રોજ રીલિઝ થવા જઈ રહી છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. "સમંદર" ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
શું છે ફિલ્મની વાર્તા: આ ફિલ્મમાં ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે. જે 2 મિત્રોની આસપાસ ફરી રહી છે. માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સંગીત આપ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નીલ મહેતા દ્વારા લખવામાં આવી છે.
કોણ છે કલાકારો: મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. મયુર ચૌહાણ આ પહેલા ગુજરાત બ્લોક બસ્ટર 'છેલ્લો દિવસ' ફિલ્મમાં નરેશના પાત્રથી જાણીતા બન્યા હતા. તેમણે કરશનદાસ પે એન્ડ યુઝમાં પોતાના અભિનય દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.
બોલીવુડ સિંગરો એ પણ અવાજ આપ્યો છે: જાણીતા ગાયકો નક્શ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ "માર હલેસા" પણ રિલીઝ થઈ ચૂક્યું છે. જેણે આ ફિલ્મ જોવા દર્શકોને વધુ આતુર કર્યા છે. અન્ય એક સોન્ગ જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે ગાયું છે.
ટ્રેલર દર્શકોને આવ્યું પસંદ: આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ તેને ગુજરાતી દર્શકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ પોરબંદરના દરિયા અને તેની આસપાસ શૂટ થયું છે. જેમાં કોઈ VFXનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ફિલ્મના પ્રોડયુસર્સે ફિલ્મ વિશે શું કહ્યું: ફિલ્મના પ્રોડયુસર્સ કલ્પેશ પલાણ અને ઉદય શેખવાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "આ ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે. મિત્રતાની વાત છે. દરિયો અને દરિયા કિનારાની વાત છે. ક્રાઇમ અને પોલિટીક્સ તથા માછીમારો પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી અમને લાગ્યું કે આ કહાનીમાં દોસ્તીનું ઇમોશન છે. સારા અને ખરાબ સમયમાં દોસ્તીની ભૂમિકા મહત્વની છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલીવાર આવી ફિલ્મ બની રહી છે."