મુંબઈ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ રવિવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. અનમોલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સલમાન ખાનને છેલ્લી ચેતવણી આપી હતી. આ પોસ્ટમાં ઓપન ફાયરિંગને માત્ર ટ્રેલર તરીકે દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન માટે આ છેલ્લી ચેતવણી છે, અમે શાંતિ ઈચ્છીએ છીએ.
સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી વોર્નિંગ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું, 'અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધનો એકમાત્ર નિર્ણય યુદ્ધ છે, તો આવું થશે. સલમાન ખાન, અમે તમને ફક્ત એક ટ્રેલર બતાવ્યું છે જેથી તમે અમારી શક્તિને સમજો અને અમને વધારે જજ ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ઘરની બહાર ગોળીબાર નહીં થાય અને અમારી પાસે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ નામના કૂતરા છે, જેમને તમે ભગવાન માનો છો.
સુરક્ષામાં કરાયો વધારો: રવિવારે વહેલી સવારે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર બાઇક પર સવાર બે અજાણ્યા લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સવારે લગભગ 4.51 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બોલિવૂડ અભિનેતાના ઘરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમે વધુ તપાસ માટે સ્થળની મુલાકાત લીધી હતી અને ખાનના ઘરની બહાર ફાયર કરવામાં આવેલી ગોળીઓના શેલ કેસીંગ્સ કબજે કર્યા હતા. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી છે. પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂઝ વાલાની હત્યા માટે પણ લોરેન્સ બિશ્નોઈની ગેંગ જવાબદાર હતી.
લોરેન્સ ગેંગ મૂઝવાલાની હત્યા માટે પણ જવાબદાર હતી: અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ મૂઝવાલા હત્યા કેસમાં ફરાર આરોપી છે. તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગયા વર્ષે તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તે સતત તેના સ્થાનો બદલતો રહે છે. ગયા વર્ષે માર્ચમાં સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.