મુંબઇ : 22 વર્ષ પછી દર્શકોને હિન્દી સિનેમાની માઈલસ્ટોન ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'ની સિક્વલ 'ગદર 2' માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. ગયા વર્ષે 2023માં રીલિઝ થયેલી 'ગદર 2' માં સની દેઓલે ફરી એકવાર તેના 'તારા સિંહ' અવતારથી થિયેટરોમાંર ધૂમ મચાવી હતી. 'ગદર 2' સની દેઓલની ફિલ્મ કરિયરની એકમાત્ર એવી ફિલ્મ છે, જેણે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કર્યો છે.
બ્લોકબસ્ટર ફિલ્મ આ ફિલ્મને ભારતની વાસ્તવિક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે પણ ટેગ કરવામાં આવી છે. તો 'ગદર 2' સાથે ફિલ્મ મેકર્સ પાસે તેની આગામી સિક્વલ ફિલ્મ 'ગદર 3'ના પણ સારા સમાચાર હતાં, જે હવે સાચા થવા જઈ રહ્યા છે. હા, 'ગદર 3' પર કામ શરૂ થઈ ગયું છે.
ગદર 3ની પુષ્ટિ : ઘણા મીડિયા અહેવાલોનું માનીએ તો તારાસિંહ-સકીનાની જોડીની ફિલ્મ 'ગદર 3' આવી રહી છે અને નિર્દેશક અનિલ શર્માની લેખન ટીમે તેના પર કામ પૂર્ણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઝી સ્ટુડિયોએ પણ 'ગદર 3'ને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા અને અભિનેતા સની દેઓલે પણ ઝી સ્ટુડિયો સાથે વાતચીત કરી છે. 'ગદર 2'ની અપાર સફળતા બાદ 'ગદર 3'ના નિર્માણ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ નિર્માતાઓએ તેની જાહેરાત કરી ન હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિરેક્ટરની લેખન ટીમે ગદર 3ની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. નોંધનીય છે કે આ ફિલ્મ 2025ના અંતમાં ફ્લોર પર આવશે.
ગદર 3ની સ્ક્રિપ્ટ લોક : એક ઈન્ટરવ્યુમાં 'ગદર' ફ્રેન્ચાઈઝીના નિર્દેશક અનિલ શર્માએ કહ્યું કે, 'હા, તારાસિંહ ફરી એકવાર વાપસી કરશે, કારણ કે અમે ગદર 3ની સ્ક્રિપ્ટ લોક કરી દીધી છે. હાલમાં હું મારા પુત્ર ઉત્કર્ષ શર્મા અને નાના પાટેકર સાથે મારી આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છું. આ પછી અમે ગદર 3 પર કામ શરૂ કરીશું.