મુંબઈ : મંગળવારે રાત્રે મુંબઈમાં દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024 યોજાયો હતો. જેમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કરીના કપૂર ખાન સહિતના હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન જગતના સિતારા ઉપસ્થિત રહ્યા હતા.
બોલીવુડ સેલેબ્રિટીનો જમાવડો : દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2024 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જવાન ફિલ્મ માટે શાહરૂખ ખાનને શ્રેષ્ઠ અભિનેતા અને નયનથારાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. અનિરુદ્ધ રવિચંદરને જવાન ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે એનિમલ ફિલ્મ માટે સંદીપ રેડ્ડી વાંગાને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જવાન અને એનિમલનો દબદબો : વિકી કૌશલને સામ બહાદુરની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો (ક્રિટિક) એવોર્ડ મળ્યો હતો. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ) માટે રાની મુખર્જી અને એનિમલ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે બોબી દેઓલને એવોર્ડ મળ્યો હતો.
'થોડા પ્યાર, થોડા તકરાર' : આ એવોર્ડ ફંક્શનમાં ટેલિવિઝન અને વેબ સિરીઝ ક્ષેત્રના યોગદાનને પણ માન્યતા આપવામાં આવી હતી. જેમાં ગુમ હૈ કિસી કે પ્યાર મેં અને સ્કૂપ જેવી સિરીઝના કલાકારોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વધુમાં મૌસુમી ચેટર્જી અને કેજે યેસુદાસને અનુક્રમે ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ફંક્શન દરમિયાન શાહરૂખ ખાને રાની મુખર્જીને ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. જ્યારે કરીના કપૂર શાહિદ કપૂરની અવગણના કરતા જોવા મળી હતી.
'જવાન'નો જાદુ : એટલી દ્વારા નિર્દેશિત જવાન ફિલ્મ વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી બોક્સ ઓફિસ પર બ્લોક બ્લાસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાન અને નયનથારાની લીડ ભૂમિકા સાથેની આ ફિલ્મ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી.
એકે હજારા 'એનિમલ' : સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત એનિમલ વર્ષ 2023 ની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જોકે આ ફિલ્મને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સહિતના મોટા કલાકારો સાથે પિતા-પુત્રના સંબંધો અને બદલાના કાવતરા પર ધ્યાન કેન્દ્રિત કરતી આ ફિલ્મ રુ. 800 કરોડથી વધુની કમાણી કરી હતી.