અમદાવાદ: 18 ઑક્ટોમ્બરે થિયેટરમાં રીલીઝ થવા જઈ રહી ફિલ્મ "નવરસ કથા કોલાજ" સિનેમા જગતની એક અદભૂત ફિલ્મ સમાન છે. કારણકે આ ફિલ્મમાં એક જ વ્યક્તિએ 9 અલગ અલગ પાત્ર ભજવ્યા છે. આ પૂર્વ સાઉથના સ્ટાર કમાલ હસન તેમની ફિલ્મ દશાવતારમાં આ પ્રકારે અલગ અલગ પાત્રમાં જોવા મળ્યા હતા. જોકે અહીં આપણે "નવરસ કથા કોલાજ"ની વાત કરીએ તો ફિલ્મના લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર પ્રવીણ હિંગોનિયા દ્વારા આ ફિલ્મમાં એક સાથે 9 પાત્રો ભજવવામાં આવ્યા છે.
થિયેટરનો વ્યક્તિ હોવાથી પોતે જ ચેલેન્જિંગ રોલ કર્યો: પ્રવીણ હિંગોનિયા ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, તેઓ આ પાત્રો પોતે ભજવવા માંગતા નહતા. તેમની જગ્યાએ કોઈ મોટા એક્ટર પાસે તેઓ આ પાત્ર ભજવવા ઈચ્છતા હતા, અને તેઓ પોતે માત્ર લેખક અને ડિરેક્ટર તરીકે જ ઓળખાવા માંગતા હતા, પરંતુ બજેટ ઓછું હોવાથી તેમજ પોતે પણ થિયેટરનો વ્યક્તિ હોવાથી તેમણે આ ચેલેન્જિંગ રોલ કર્યો છે.
વાર્તાને ખૂબ સારી રીતે પડદા પર ઉતારી શક્યા છે: એક જ ફિલ્મમાં અલગ અલગ પાત્ર ભજવનાર પ્રવીણ હિંગોનિયા આ ફિલ્મના લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર હોવાથી વાર્તાને ખૂબ સારી રીતે પડદા પર ઉતારી શક્યા છે. આ તમામ અલગ અલગ પાત્ર વિશે વાત કરતાં પ્રવીણ હિંગોનિયા જણાવે છે કે, આ પાછળ તેમની એક્ટિંગની ટ્રેનીંગ છે. ઉપરાંત જ્યારે જ્યારે તેમના ગુરુએ તેમની કલાસ લીધી હતી એ તમામ બાબતોને તેમણે પોતાના જીવનમાં ઉતારી છે જેને તેઓ આજે પણ પોતાના જીવનમાં અમલ કરે છે.
પાત્ર વિષે વધુમાં વાત કરતાં પ્રવીણ હિંગોનિયા જણાવે છે કે, "હું એ જ વસ્તુને ધ્યાનમાં રાખતો હતો કે આ ફિલ્મમાં કેરેક્ટરની શું ડિમાન્ડ છે. એ પાત્રના વિચાર શું છે એ કેવી રીતે વિચારે છે, એની સાઇકોલૉજી શું છે. ઉપરાંત એ કેવો દેખાય છે. જોકે હું પોતે જ આ ફિલ્મનો લેખક હોવાથી આ પાત્રને ભજવતા મને કોઈ વધારે પરેશાની થઈ ન હતી. જોકે એક લેખક તરીકે મેં પાત્ર લખી તો નાખ્યું હતું, પરંતુ એક એક્ટર તરીકે મેં એ પાત્રના અવાજ પર કામ કર્યું એનો લુક તેમજ તે શું ફિલ કરે છે તેના પર વધારે કામ કર્યું હતું."
કાશ્મીરથી કન્યાકુમારીની કરી રહ્યા છે યાત્રા: પ્રવીણ હિંગોનિયા અને તેમની ટીમ તેમની ફિલ્મના પ્રચાર પ્રસાર માટે લોકોની વચ્ચે જઈને તેમજ ફિલ્મ જોવા અપીલ કરવા માટે કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ફરી રહ્યા છે. કશ્મીરથી શરૂઆત કરીને તેઓ ગુજરાત અમદાવાદ પહોંચ્યા હતા. હવે અહીંથી ફરી તેઓ આગળની સફર કરશે.
રિલીઝ પહેલા જ 58 એવોર્ડ જીત્યા: અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ફિલ્મ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં 58 એવોર્ડ જીતી ચૂકી છે. ફિલ્મની ટીમે વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્પલ, જલિયાવાલા બાગ, ખટકર કલાન, શહીદ-એ-આઝમ ભગતસિંહના ગામ, અમદાવાદ, બરેલી સહિત સમગ્ર દેશની મુલાકાત લીધી છે. અને આગળ પણ તેમનો પ્રવાસ શરૂ રાખ્યો છે.
આ પણ વાંચો: