મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 79,960.38 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 24,320.55 પર બંધ થયો હતો.
સ્ટોક્સની સ્થિતિ : આજના ટ્રેડિંગ સેશન દરમિયાન રેલ વિકાસ નિગમ, રાષ્ટ્રીય કેમિકલ્સ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ, IRCON ઇન્ટરનેશનલ નિફ્ટી પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે Elecon એન્જિનિયરિંગ કંપની, J&K બેન્ક, AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક, Radico ખૈતાન નિફ્ટી પર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. સેન્સેક્સ પર ITC, HUL, વિપ્રો, નેસ્લે અને ટાટા મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટાઈટન કંપની, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
ભારતીય શેરબજાર : BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર સ્તરે બંધ થયા છે. સેક્ટોરલ મોરચે કેપિટલ ગુડ્સ, FMCG અને ઓઇલ એન્ડ ગેસ 0.6 થી 1.5 ટકા વધ્યા હતા. જ્યારે ઓટો, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ટેલિકોમ 0.4 થી 0.8 ટકા ઘટ્યા હતા. નિરાશાજનક ત્રિમાસિક વેચાણ વૃદ્ધિ પછી જ્વેલરી અને ઘડિયાળ નિર્માતા કંપની ટાઇટનમાં ઘટાડાને પગલે સોમવારે ભારતીય શેરબજારના સૂચકાંકો ઘટ્યા હતા. દરમિયાન નાના અને મધ્યમ કદના શેરોએ તેમની નોંધપાત્ર રેલી ચાલુ રાખી. જે મજબૂત રિટેલ પ્રવાહ દ્વારા સંચાલિત હતી.
ઓપનિંગ માર્કેટ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાડા સાથે 79,923.07 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 24,329.45 પર ખુલ્યો હતો.