મુંબઈઃ ભારતીય શેરબજાર માટે ટ્રેડિંગ વીકનો ચોથો દિવસ બહુ શુકનવંતો સાબિત થયો છે. આજે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSEનો સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 74,227 પર અને NSEનો નિફ્ટી 0.52 ટકાના વધારા સાથે 22,552 પર બંધ થયો છે. આજે દિવસભર HDFC બેન્ક, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ, ટાઈટન કંપની ટોપ ગેનર્સની યાદીમાં સામેલ થયા છે. જ્યારે ઓએનજીસી, અદાણી પોર્ટ, શ્રીરામ ફાયનાન્સ, બીપીસીએલમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.
ફ્લેટ ટ્રેડિંગ પણ જોવા મળ્યુંઃ આજે ટ્રેડિંગ દરમિયાન BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ફ્લેટ ટ્રેડ થયા હતા. સેક્ટોરલ મોરચે બેન્ક, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, પાવરમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી.
ફોરેક્સમાં કેવું રહ્યું ટ્રેડિંગઃ ભારતીય રૂપિયો 83.43ના પાછલા બંધની સરખામણીએ પ્રતિ ડોલર 83.44 પર સ્થિર બંધ રહ્યો હતો. સેક્ટરમાં બેન્ક, પાવર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 0.5-1 ટકા, જ્યારે PSU બેન્ક, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.5-1 ટકા ડાઉન રહ્યા હતા.
ઓપનિંગ માર્કેટઃ ટ્રેડિંગ વીકના 4થા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 407 પોઈન્ટના ઉછાળા સાથે 74,284 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 0.51 ટકાના વધારા સાથે 22,549 પર ખુલ્યો હતો. આવતીકાલે આરબીઆઈ એમપીસીની બેઠકના પરિણામ આવવાના છે. જેની અસર ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે બજાર પર જોવા મળી શકે છે.