મુંબઈ : ગતરોજ ઐતિહાસિક તેજી નોંધાવ્યા બાદ આજે શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. આજે 2 માર્ચ, મંગળવારના રોજ શેરબજાર સપાટ ખુલ્યું હતું. બાદમાં દિવસ દરમિયાન જોરદાર એક્શન જોવા મળ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે ઘટાડો નોંધાયો હતો. પછી રિકવરી જોવા મળી અને અંતે બજાર રેડ ઝોનમાં સપાટ બંધ થયું છે. BSE Sensex 110 પોઈન્ટ અને NSE Nifty 8 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા. માર્ચમાં ભારતનું મેન્યુફેક્ચરિંગ PMI 59.1 (MoM) 16 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.
BSE Sensex : આજે 2 માર્ચ, મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 74,014 બંધની સામે 8 પોઈન્ટ વધીને 74,022 ના મથાળે સપાટ ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 73,743 પોઈન્ટ ડાઉન અને 74,099 ની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 110 પોઈન્ટ તૂટીને 73,903 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.15 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 8 પોઈન્ટ (0.04%) ઘટાડા સાથે 22,453 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 4 પોઈન્ટના ઘટાડા સાથે 22,458 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 22,497 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 22,388 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.
બજારમાં તેજીને બ્રેક : ગતરોજ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા બાદ સ્થાનિક બેન્ચમાર્ક ઈન્ડેક્સ Nifty માં થોડો ઘટાડો થયો હતો. કારણ કે 3 દિવસની તેજી પછી તેજીવાળાઓએ રાહતનો શ્વાસ લીધો છે. શેરબજારમાં મેટલ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, પાવર અને ઓટો સેક્ટર 1 ટકા વધ્યા હતા. જ્યારે IT ઇન્ડેક્સ 0.5 ટકા ડાઉન હતો. તાજેતરના યુએસ ડેટાએ વ્યાજદરમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ IT શેરમાં પણ ઘટાડો થયો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન લગભગ 2686 શેરના ભાવ વધ્યા અને 1015 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં M&M (2.88%), નેસ્લે (1.48%), ટાટા મોટર્સ (1.22%), ઇન્ડસઇન્ડ બેંક (1.09%) અને ટાટા સ્ટીલનો (1.04%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-2.00%), કોટક મહિન્દ્રા (-1.76%), ICICI બેંક (-1.67%), ભારતી એરટેલ (-0.93%) અને એક્સિસ બેંકનો (-0.85%) સમાવેશ થાય છે.