મુંબઈઃ આજે 2 માર્ચ શનિવાર હોવા છતા શેર બજારમાં કારોબાર યથાવત જોવા મળ્યો હતો. આજે રજાના દિવસે કારોબાર ચાલુ રહેશે તેની જાહેરાત 14મી ફેબ્રુઆરીના રોજ કરી દેવામાં આવી હતી. આજે શેરબજારમાં 2 ખાસ સેશન ટ્રેડિંગ યોજાયા હતા. જેમાં પ્રથમ સેશન પ્રાઈમરી સાઈટ અને બીજું સેશન ડીઆર(ડીઝાસ્ટર રીકવરી) સાઈટ પર થયું હતું.
સેન્સેક્સ અને નિફ્ટીની બંધ સપાટીઃ આજે રજાના દિવસે શેરબજારમાં બીએસઈ સેન્સેક્ટ અને એનએસઈ નિફ્ટી સૂચકાંકે ઓલટાઈમ હાઈ સપાટી કુદાવી હતી. જેમાં સેન્સેક્સે ઓલ ટાઈમ હાઈ 73,994 પર ક્લોઝ થયો હતો. જ્યારે નિફ્ટીએ 22,419ની સપાટી કુદાવી 22,378 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે આખા દિવસ દરમિયાન બજારમાં મેટલ, ઓટો અને એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળાને પરિણામે ત્રીજું ટ્રેડિંગ સેશન ધમધમ્યું હતું.
ટોપ ગેનર-ટોપ લુઝરઃ આજના કારોબારમાં ટાટા સ્ટીલ, હીરો મોટો કોર્પ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ તેમજ જએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેનર શેર રહ્યા હતા. જ્યારે ટોપ લુઝરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, એનટીપીસી, સન ફાર્માસ્યુટિકલ, નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.
શા માટે બજાર સકારાત્મક બન્યું?: ફાયનાન્સિયલ યર 2023-24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધીને 8.4 ટકા નોંધાયો છે. તેની બજાર પર સકારાત્મક અસર જોવા મળી. કેટલાક મીડિયા સર્વેમાં લોકસભામાં એનડીએ જીતશે તેવી આગાહીની પણ બેન્કિંગ અને પીએસયુ શેરોમાં સકારાત્મક અસર જોવા મળી છે. આ ઉપરાંત વોલસ્ટ્રીટનો નાસ્ડેક રેકોર્ડ બ્રેક ઊંચાઈએ બંધ થતા તેની સકારાત્મક અસરો વિશ્વભરના શેરબજાર પર થઈ છે.