મુંબઈ : 16 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. શેરબજારના મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં વધારા સાથે ખુલ્યા હતા. જોકે શરુઆતી કારોબારમાં જ મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ભારે એક્શનમાં છે. Nifty 50 22,000 ના સ્તરને પાર થયો છે. બેંક, ઓટો, IT, મીડિયા, મેટલ અને ફાર્મા સહિત લગભગ તમામ સેક્ટરમાં લેવાલી છે.
ભારતીય શેરબજાર : આજે 16 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 72,050 બંધ સામે 356 પોઈન્ટના વધારા સાથે 72,406 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,910 બંધની સામે 110 પોઈન્ટ વધીને 22,020 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં મજબૂત ટ્રેડ કરી રહ્યા છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1797 શેરમાં લેવાલી અને 471 શેરમાં વેચવાલી છે. જ્યારે 82 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
ગ્લોબલ શેરમાર્કેટ : Dow jones 350 પોઈન્ટ ઉછળીને દિવસની ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે S&P 500 પણ રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. રસેલ 2000 માં 2.5% વધારા સાથે ફરી જબરદસ્ત તેજી નોંધાઈ છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.25% ની નજીક સ્થિર છે. જાન્યુઆરી રિટેલ વેચાણમાં 0.8% ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલમાં ઉછાળો નોંધાયો છે. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો છે અને સોનામાં પાંચ દિવસના ઘટાડાને બ્રેક લાગી છે. મેટલ્સમાં મજબૂત બાઉન્સ બેક સાથે મોટાભાગની એગ્રી કોમોડિટી લાલ નિશાનમાં છે.
NSE ની મહત્વપૂર્ણ જાહેરાત : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 માર્ચ, શનિવારના રોજ રિકવરી સાઈટ પર સ્વીચઓવર સાથે શેરબજાર ખુલશે અને તે દિવસે લાઈવ ટ્રેડિંગ સેશન થશે. જેમાં રોકડ તથા ફ્યુચર એન્ડ ઓપ્શન બંનેમાં ટ્રેડિંગ કરવામાં આવશે. શનિવારે શેરબજાર બે ટ્રેડિંગ સેશન માટે ખુલશે. પ્રથમ સત્ર સવારે 9:15 થી 10:00 સુધી રહેશે. જ્યારે બીજું ટ્રેડિંગ સેશન સવારે 11:30 થી બપોરે 12:30 સુધી રહેશે.