મુંબઈ : 9 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત થઈ છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 71,410 ના મથાળે રેડ ઝોનમાં ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 21,727 ના મથાળે ગ્રીન ઝોનમાં ખુલ્યો છે.
શેરબજારની સુસ્ત શરૂઆત : 9 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગત 71,428 ના બંધ સામે 18 પોઈન્ટના ઘટાડા સાથે 71,410 ના મથાળે લાલ નિશાનમાં ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,718 ના બંધની સામે 9 પોઇન્ટ અપ 21,727 ના મથાળે લીલા નિશાનમાં સપાટ ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુસ્ત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty માં એક્શન જોવા મળ્યું છે. શરૂઆતમાં ગગડીને રેડ ઝોન અને બાદમાં રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
RBI નીતિએ મૂડ બગડ્યો : વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી છે. બજારમાં બેન્કિંગ, ઓટો, ફાઈનાન્સિયલ અને આઈટી સેક્ટરમાં વેચવાલી છે. M&M અને ભારતી એરટેલ નિફ્ટીમાં ટોપ લૂઝર છે. RBI પોલિસી બાદ Nifty Bank એ બજારનો મૂડ બગાડ્યો છે.
વૈશ્વિક બજાર : અમેરિકન માર્કેટ મામૂલી ઉછાળા સાથે નવી ઊંચાઈ પર છે. 200 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે DOW 50 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. S&P 500 પ્રથમ વખત 5000 ના સ્તરને સ્પર્શ્યો છે. જ્યારે સ્મોલકેપમાં મજબૂત વધારા સાથે રસેલ 2000 1.5% ઉછળ્યો છે. DOW માં એક્શન વચ્ચે ડિઝનીના શેર 11.5% વધ્યા હતા. જ્યારે ઊર્જા ક્ષેત્રમાં સૌથી વધુ લેવાલી નોંધાઈ છે. બોન્ડ યીલ્ડ નજીવા વધારા સાથે 4.15% સપાટીએ પહોંચ્યો છે.