મુંબઈ : આજે 8 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 321 પોઈન્ટ અપ 72,473 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 80 પોઈન્ટના વધારા સાથે 22,010 ના મથાળે ખુલ્યો હતો.
ભારતીય શેરબજારમાં રોનક : 8 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 72,152 ના બંધ સામે 321 પોઈન્ટના વધારા સાથે 72,473 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,930 ના બંધની સામે 80 પોઇન્ટનો સુધારો નોંધાવી 22,010 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરુઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty ગગડ્યા છે.
રિઝર્વ બેંકની MPC બેઠક : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની (MPC) બેઠકનો આજે છેલ્લો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. આ બેઠકમાં રેપો રેટ અંગે ચર્ચા કરવામાં આવી છે. વિશ્લેષકોના મતે RBI ની નાણાકીય નીતિના પરિણામો આજે બજારમાં થોડી અસ્થિરતા પેદા કરી શકે છે. ગવર્નર શક્તિકાંત દાસ તરફથી નજીકના ભવિષ્યમાં રેટ કટના સંકેત ઇક્વિટીમાં નવો ઉછાળો લાવી શકે છે.
વૈશ્વિક બજાર : ડોલર ઇન્ડેક્સ 3 મહિનાની ઊંચી સપાટીથી ગગડીને 104 પહોંચ્યો છે. સતત 3 દિવસથી ક્રૂડ ઓઈલના વેપારમાં વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ 79 ડોલરને પાર અને WTI ક્રૂડ 74 ડોલરની નજીક સપાટ રહ્યો હતો. મધ્ય પૂર્વ તણાવ અને યુએસ ગેસોલિન ભંડારમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થતા બજાર પર મોટી અસર થઈ શકે છે. ઇઝરાયેલના વડાપ્રધાને હમાસ યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો છે.