મુંબઈ : ભારતીય શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના (BSE) સ્ટોક અને ઇક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) સેગમેન્ટમાં 18 મે, શનિવારના રોજ રજાના દિવસે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન હશે. જ્યારે લોકસભા ચૂંટણી 2024 પાંચમા તબક્કા માટે 20 મે, સોમવારના રોજ મતદાન થવાનું છે, જેના કારણે શેરબજાર બંધ રહેશે.
શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન : સામાન્ય રીતે ભારતીય શેરબજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લા રહે છે, બાદમાં શનિવાર અને રવિવારના રોજ રજા હોય છે. પરંતુ આ વખતે 18 મે, શનિવારના રોજ પણ શેરબજાર સ્પેશિયલ ટ્રેડિંગ સેશન માટે ખુલશે. ભારતીય શેરબજારમાં 18 મે, શનિવારના રોજ સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન રહેશે. આ સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન બે ભાગમાં હશે, પહેલું સત્ર સવારે 9:15 થી સવારે 10:00 સુધી અને બીજું સત્ર સવારે 11:30 થી બપોરે 12:30 સુધીનું રહેશે.
સોમવારે શેરબજારમાં રજા : આવતા સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે 20 મે, સોમવારના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંને બંધ રહેશે. લોકસભા ચૂંટણી 2024 પાંચમા તબક્કા માટે 20 મે, સોમવારના રોજ મતદાન થવાનું છે, જેના કારણે શેરબજાર બંધ રહેશે. ઉપરાંત MCX પર પણ કોઈ કોમોડિટી ટ્રેડિંગ થશે નહીં.
પૂર પહેલાં પાળ : અગાઉ 2 માર્ચના રોજ NSE અને BSE દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને તેમની ટેકનિકલ એડવાઈઝરી કમિટી સાથે અણધારી ઘટના માટે બજારની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે ચર્ચા સાથે આવું જ એક સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.