મુંબઈ : ગતરોજ કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં અવળી અસર પડી હતી, જે આજે પણ યથાવત છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ 24 જુલાઈ, બુધવારના રોજ ભારતીય શેરબજારની રેડ ઝોનમાં શરૂઆત થઈ છે. ત્યારબાદ સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે.
ભારતીય શેરબજાર : BSE Sensex ગત 80,429 બંધ સામે 86 પોઈન્ટના ઘટાડા સાથે 80,343 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 24,479 બંધની સામે 35 પોઇન્ટ ઘટીને 24,444 પર ખુલ્યો છે. બાદમાં સતત નબળા વલણને પલગે મુખ્ય સૂચકાંક ગગડી રહ્યા છે. સેન્સેક્સ 80,000 સુધી ડાઉન પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ સતત ઉતાર ચડાવ નોંધાઈ રહ્યો છે.
સ્ટોક્સની સ્થિતિ : ભારતીય શેરબજારમાં Sensex પર ITC, ટાઇટન, HDFC લાઈફ, ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઈનર છે. જ્યારે ટાટા કન્ઝ્યુમર, એચયુએલ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે, બ્રિટાનિયા ટોપ લૂઝર રહ્યા છે.
મંગળવારનો કારોબાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 88 પોઈન્ટના ઘટાડા સાથે 80,413.20 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 24,460.60 પર બંધ થયો હતો.
કોમોડિટી બજાર : સોનામાં 4 દિવસના નબળા વલણને બ્રેક લાગી છે. સોનાના ભાવમાં આશરે 3,000 નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી 1 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 5 સપ્તાહના નીચલા સ્તરે 82 ડોલરની નીચે પહોંચ્યું છે.