મુંબઈ: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે. રિલાયન્સ જિયોએ હાલમાં જ તેના મોબાઈલ રિચાર્જના દરોમાં વધારો કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ તેના 5G બિઝનેસના વિસ્તરણની દિશામાં પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતો કહે છે કે આ એક સંકેત હોઈ શકે છે કે રિલાયન્સ જિયો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે. કેટલાક વિશ્લેશકોનું કહેવું છે કે કંપનીનો IPO આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે. વિશ્લેષકો અને ઉદ્યોગને આશા છે કે આગામી મહિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંભવિત AGM Jioના IPO અંગેનું ચિત્ર સ્પષ્ટ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ IPO લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટમાં IPOનું કદ દર્શાવવામાં આવ્યું છે અને IPOનું કદ 55 હજાર કરોડ રૂપિયાથી પણ મોટું હોઈ શકે છે. LIC રૂ. 21,000 કરોડનો IPO લઈને આવી હતી.
હાલમાં, LIC દેશમાં સૌથી મોટા IPO માટે રેકોર્ડ ધરાવે છે. સરકારી વીમા કંપની LIC એ મે 2022 માં લગભગ 21 હજાર કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો. ભારતના સૌથી મોટા IPOની દ્રષ્ટિએ, LIC એ Paytm ની મૂળ કંપની One97 Communications નો રેકોર્ડ તોડ્યો, જેણે નવેમ્બર 2021 માં રૂ. 18,300 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. હવે બે વર્ષ બાદ LICના સૌથી મોટા IPOનો રેકોર્ડ તૂટી શકે છે. આ રેકોર્ડ રિલાયન્સ જિયોના IPO પહેલા પણ તૂટી શકે છે.
ટેરિફ વધારવાનું કારણ: રિલાયન્સ જિયોએ તાજેતરમાં તેના મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. Jio, જે અત્યાર સુધી 4G ટેરિફ સાથે 5G સેવાઓ પ્રદાન કરતું હતું, તે હવે 5G માટે અલગ ટેરિફ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એક અંગ્રેજી સમાચાર માધ્યમે કહ્યું કે આ તમામને ટેલિકોમ સર્વિસ કંપનીના જાહેર ઈશ્યુ પહેલા સંકેતો તરીકે જોઈ શકાય છે. અંગ્રેજી સમાચાર માધ્યમોએ વિશ્લેષકોને ટાંકીને આગાહી કરી છે કે Jioનો IPO આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે.
ઓગસ્ટમાં જાણવાની તક: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં તેની વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન કરે છે. આવી સ્થિતિમાં કંપનીના વડા મુકેશ અંબાણી Jio IPO અંગે સ્પષ્ટતા કરી શકે છે. ટેરિફમાં વધારો અને 5G બિઝનેસમાંથી રોકડ પ્રવાહ સાથે, Jioની સરેરાશ વપરાશકર્તા આવક (ARPU) નોંધપાત્ર રીતે વધશે. વિશ્લેષકોનું માનવું છે કે આગામી ક્વાર્ટરમાં રોકાણકારો માટે આ IPO સૌથી આકર્ષક પરિબળ બની શકે છે.
તેનું મૂલ્ય કેટલું? આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ જેફરીઝના જણાવ્યા અનુસાર, નવીનતમ ટેરિફ વધારો અને 5G મુદ્રીકરણ દરખાસ્તને ધ્યાનમાં રાખીને, Jioનું મૂલ્ય $133 બિલિયન (આશરે રૂ. 11.11 લાખ કરોડ) સુધીનું હોઈ શકે છે. IPO દ્વારા, મોટી કંપનીઓએ તેમના મૂલ્યના ઓછામાં ઓછા 5 ટકા અને નાની કંપનીઓએ ઓછામાં ઓછા 10 ટકા વેચાણ કરવું જરૂરી છે. Jioના મુલ્યાંકન પર નજર કરીએ તો માત્ર 5 ટકા હિસ્સો રૂ. 55,000 કરોડનો થશે. જેફરીઝનો અંદાજ છે કે જો Jio IPO આટલી મોટી રકમનું ભંડોળ ઊભું કરશે તો તે ભારતનો સૌથી મોટો IPO હશે.
PE કંપનીઓ નીકળી શકે છે બહાર: કેટલાક વિશ્લેષકો માને છે કે જો આ IPO સફળ થાય છે, તો ઇન્ટરનેશનલ પ્રાઇવેટ ઇક્વિટી (PE) કંપનીઓ Jioમાં તેમનું રોકાણ પાછું ખેંચી શકે છે. હાલમાં, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ Jio પ્લેટફોર્મ્સમાં લગભગ 67.03 ટકા હિસ્સો ધરાવે છે. બાકીના 32.97 ટકામાંથી 17.72 ટકા હિસ્સો મેટા અને ગૂગલ કંપનીઓ પાસે છે. વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, કેકેઆર, પીઆઈએફ, સિલ્વર લેક, એલ કૈટરટન, જનરસ એટ્લાંટિક અને ટીપીજી જેવી આંતરરાષ્ટ્રીય PE કંપનીઓનો હિસ્સો 15.25 ટકા સુધી છે. તે જાણીતું છે કે Jio પ્લેટફોર્મ્સે 2020 માં આ આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી 1.52 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.