આગ્રા : ખંદૌલી વિસ્તારના એક ગામમાં કેટલાક લોકોએ એક મુસ્લિમ મહિલાને હિન્દુ ધર્મ અપનાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ ના પાડી તો તેના ખેતરનો કબજો લેવામાં આવ્યો હતો. જોકે મહિલાનો આરોપ છે કે બજરંગ દળના અધિકારી હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. વિરોધ કરતા તેના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. પોલીસે 5 શખ્સ સહિત 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ધર્મ પરિવર્તન માટે દબાણ : મહિલાનો આરોપ છે કે, ગામમાં માત્ર તેનો પરિવાર મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. ગામમાં રહેતા ચંદ્રભાન બે મહિના પહેલા તેના 15-20 સમર્થકો સાથે ઘરે આવ્યા અને મને હિંદુ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું, મેં ના પાડી હતી. મહિલાનો આરોપ છે કે, જ્યારે મે તેમની વાત ન માની ત્યારે ચંદ્રભાન, તેના પિતા પ્રતાપસિંહ, જગવીરસિંહ, રાહુલ અને સચિને મારા ખેતર પર કબજો કરી લીધો.
મહિલાના ઘર પર હુમલો : આ અંગે પોલીસ ફરિયાદ કરતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. 7 એપ્રિલે ચંદ્રભાને ઘરમાં ઘૂસીને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ અવાજ કરતા પરિવાર જાગી ગયો અને લોકોએ તેમને ઘેરી લેતા તે ભાગી ગયો હતો. મહિલાનો આરોપ છે કે, આ ઘટનાના થોડા સમય બાદ ચંદ્રભાન સિંહ સહિત 15-20 લોકોએ તેના ઘર પર હુમલો કર્યો હતો. ઉપરાંત મહિલાને પણ લાકડી વડે માર માર્યો અને છેડતી પણ કરી હતી.
પાંચ આરોપી ઝડપાયા : જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો બંને ભાઈઓને માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટનાના પગલે સમગ્ર પરિવારમાં ભયનો માહોલ છે. આ મામલે ખંડૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજીવ સોલંકીએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે આરોપી ચંદ્રભાન, જગવીર, પ્રતાપ, રાહુલ અને સચિન સહિત 20 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.