સિલીગુડી(પશ્ચિમ બંગાળ): ગુરુવારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. ગઈકાલે મમતા બેનર્જીએ ઈન્ડિયા અલાયન્સ સાથે છેડો ફાડ્યો અને દેશની સૌથી જૂની પાર્ટીને અવગણી હતી. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવા માંગે છે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, કૉંગ્રેસને બેઠક ફાળવણી મુદ્દે ટીએમસી સાથે સમાધાન થવાની આશા છે. બાગડોગરા એરપોર્ટ પર જયરામ રમેશે પત્રકારો સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, કૉંગ્રેસ મમતા બેનર્જી વિના ઈન્ડિયા ગઠબંધન વિશે વિચારી પણ શકે નહિ કારણ કે ભાજપ વિરોધની લડાઈમાં તેમનું બહુ મહત્વ છે.
જયરામ રમેશે કહ્યું કે, જો અમે પશ્ચિમ બંગાળ અને ભારતમાં ભાજપને હરાવવા માંગીએ તો મમતા બેનર્જીની બહુ જરુર છે. અમારા નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના મનમાં મમતા બેનર્જી પ્રત્યે બહુ માન છે. કૉંગ્રેસ મહાસચિવે આગળ જણાવ્યું કે, ઈન્ડિયા અલાયન્સનો મહત્વપૂર્ણ સ્તંભ છે મમતા બેનર્જી. મમતા બેનર્જી અને ટીએમસી વિના આ ગઠબંધનની કલ્પના કરવી મુશ્કેલ છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એકલા હાથે લોકસભા ચૂંટણી લડવા માંગે છે તે સંદર્ભે પુછતા જયરામ રમેશે જણાવ્યું કે, કૉંગ્રેસ બેઠક ફાળવણી મુદ્દે ઝડપથી સમાધાન શોધવા તત્પર છે. હું બેઠક ફાળવણીને લઈને કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.
જયરામ રમેશે આ નિવેદનો મમતા બેનર્જીએ આપેલા નિવેદનોના એક દિવસ બાદ આપ્યા છે. મમતા બેનર્જીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યુ તેનાથી ઈન્ડિયા ગઠબંધનમાં હડકંપ મચી ગયો છે. જયરામ રમેશે કહ્યું કે, અમે મમતા બેનર્જીને ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ યાત્રા ગુરુવારે બંગાળમાં પ્રવેશી છે. અમે મમતા બેનર્જીને 2 વાર આમંત્રણ આપ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ આ યાત્રાનો એક ભાગ બને, કારણ કે અમારા ઉદ્દેશ્ય સમાન છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ફેલાયેલ અન્યાય વિરુદ્ધ લડવું જરુરી છે.
જો કે ટીએમસી દ્વારા આ યાત્રામાં ન જોડવાનું વલણ સામે આવ્યું છે. ટીએમસીએ કૉંગ્રેસ યાત્રા અંગે માહિતીનો અભાવ હોવાનું બહાનુ આગળ ધર્યુ છે. મમતા બેનર્જીના રાજ્યમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ઈન્ડિયા ગઠબંધન, સીપીઆઈ(એમ) અને વામપંથી દળો જોડાઈ શકે તેવી આશા છે.