કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે એ સ્થળની ઓચિંતી મુલાકાત લીધી જ્યાં જુનિયર ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા હતા અને વિરોધ વચ્ચે તેમણે ડોક્ટર્સને ખાતરી આપી હતી કે, તેઓ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને જે કોઈ દોષિત હશે તો પગલાં પણ લેશે.
તમને જણાવી દઈએ કે, 'અમને ન્યાય જોઈએ છે' ના નારાઓ વચ્ચે સોલ્ટ લેક સ્થિત હેલ્થ બિલ્ડિંગની બહાર વિરોધ કરી રહેલા ડોક્ટર્સને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, 'તેઓ નિંદ્રાહીન રાતો વિતાવી રહ્યા છે કારણ કે તબીબો વરસાદ વચ્ચે રસ્તા પર આંદોલન કરી રહ્યા છે.'
તેમણે વધુમાં સંબોધતા કહ્યું કે, "હું તમને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ તમારી 'દીદી' તરીકે મળવા આવી છું." "હું તમને ખાતરી આપું છું કે હું તમારી માંગણીઓનો અભ્યાસ કરીશ અને જો કોઈ દોષિત સાબિત થશે તો પગલાં લઈશ," મુખ્યમંત્રીએ વિરોધ કરી રહેલા તબીબોને કામ પર પાછા ફરવા વિનંતી કરી. ઉપરાંત જાહેરાત કરતાં જણાવ્યું કે, તમામ સરકારી હોસ્પિટલોની દર્દી કલ્યાણ સમિતિઓને તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવી છે.
બેનર્જીએ કહ્યું કે, કટોકટીનો ઉકેલ લાવવાનો આ મારો છેલ્લો પ્રયાસ છે. મુખ્યમંત્રીના સ્થળ છોડી ગયા પછી આંદોલનકારી તબીબોએ કહ્યું કે, જ્યાં સુધી ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ તેમની માંગણીઓ સાથે સમાધાન કરવા તૈયાર નથી.
તમને જણાવી દઈએ કે, મંગળવારથી તબીબો રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય મથક સ્વાસ્થ્ય ભવનની બહાર પડાવ નાખી રહ્યા છે. તેમની માંગણી છે કે, સરકારી હોસ્પિટલોમાં બહેતર સુરક્ષા અને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ટોચના અધિકારીઓને તેમના સ્થાનેથી હટાવવાની છે. (સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર)
આ પણ વાંચો: