મુંબઈ: કોંગ્રેસ નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ માટે પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ સીટ પર 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે.
પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં 6 લાખ 22 હજારથી વધુ મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ સીપીઆઈ ઉમેદવાર સત્યન મોકરીને લગભગ 2 લાખ 11 હજાર વોટ મળ્યા હતા. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની જીત માટે પાંચ લાખ વોટનો ટાર્ગેટ રાખ્યો હતો.
My dearest sisters and brothers of Wayanad,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024
I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…
પ્રિયંકા ગાંધીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો
જીત બાદ પ્રિયંકા ગાંધીએ વાયનાડના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ''વાયનાડના મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે તેના માટે હું આપની ખૂબ આભારી છું. હું વિશ્વાસ અપાવું છું કે સમય જતાં આપને અનુભવ થશે કે આ જીત તમારી જીત છે અને તમે જે વ્યક્તિને તમારું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યું છે તે તમારી આશાઓ અને સપનાઓ પર ખરી ઉતરી છે અને તમારા માટે લડે છે. હું સંસદમાં તમારો અવાજ બનવા આતુર છું''!
તેમણે વધુમાં કહ્યું કે ''મને આ સન્માન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમે મને આપેલા અપાર પ્રેમ માટે પણ ખુબ આભાર. UDFમાં મારા સાથીદારો, સમગ્ર કેરળના નેતાઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને મારા કાર્યાલયના સાથીદારો કે જેમણે આ અભિયાનમાં અવિશ્વસનીય મહેનત કરી હતી તે તમામનો ખૂબ ખૂબ આભાર''. આ ઉપરાંત પ્રિયંકાએ તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી, પતિ તેમજ તેમના બે બાળકો પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રિયંકા ગાંધી પહેલીવાર સંસદમાં જશે
પ્રિયંકા ગાંધીની જીત બાદ એવું પહેલીવાર બનશે જ્યારે ગાંધી પરિવારના તમામ સભ્યો સંસદમાં એકસાથે જોવા મળશે. અત્યાર સુધી માત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ સંસદમાં લોકોનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળ્યા છે. વાયનાડમાં જીત બાદ પ્રિયંકા ગાંધી પહેલીવાર સંસદ પહોંચશે.
સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે
હાલ સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે આ વર્ષે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. સોનિયા ગાંધીએ 2004થી સતત પાંચ વખત ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રાહુલ ગાંધી રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હાલમાં રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે આ વર્ષે યોજાયેલી લોકસભામાં આ બેઠક જીતી હતી. આ સિવાય તેમણે કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડી હતી અને રેકોર્ડ જીત હાંસલ કરી હતી.જોકે, બાદમાં તેમણે વાયનાડ બેઠક છોડી દીધી, જેના પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા હતા. રાહુલ ગાંધીએ 2019માં વાયનાડ લોકસભા સીટ પરથી પણ ચૂંટણી જીતી હતી અને સંસદમાં વાયનાડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.