વાપી: વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાન ખાતે બળેવ પર્વ નિમિત્તે 71 જેટલા ભુદેવોએ પોતાની જનોઈ બદલી હતી. આ દિવસ સનાતન ધર્મમાં રક્ષાબંધન ના પવિત્ર દિવસ તરીકે મનાવાય છે. એટલે આ દિવસે જ બ્રહ્મ સમાજ 16 સંસ્કાર માના એક એવા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરે છે. રક્ષાબંધન ના પર્વને બળેવ તરીકે તેમજ નારીયેલી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે. સાથે જ આખા વર્ષમાં જાણતા-અજાણતા થયેલ પાપ નું પ્રાયશ્ચિત કરે છે. જેને અનુલક્ષીને વાપીમાં આવેલ શ્રી સલવાવ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 71 થી વધુ ભુદેવોએ જનોઈ બદલી હતી.
વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ અને બ્રહ્મ સમાજના આગેવાનોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ અમિત ભટ્ટે વિગતો આપી હતી કે રક્ષાબંધન પર્વના દિવસે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે. યજ્ઞોપવિત સંસ્કાર વિધિ એ સનાતન ધર્મના 16 સંસ્કાર પૈકીનો આ એક મહત્વનો સંસ્કાર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે 71 જેટલા ભૂદેવોએ સમૂહમાં તેમની યજ્ઞો પવીત બદલાવી હતી. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુઁ. આ દિવસ પ્રાયશ્ચિત અને પૂર્વજોને યાદ કરવાનો દિવસ છે. એટલે તમામ ભુદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. આખા વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા થયેલ પાપ નું પ્રાયશ્ચિત કરી પૂર્વજોને યાદ કર્યા હતાં. લાખો વર્ષ જૂની આ પરંપરા જળવાય રહે તેવા સંકલ્પ લીધા હતાં.
તો, પ્રસંગે વિશેષ પૂજા માટે ઉપસ્થિત રહેલા કથાકાર ધરમ જોશીએ જણાવ્યું હતું કે, આ દિવસ ત્રિવેણી સંગમ સમાન દિવસ છે. આ દિવસે ભૂદેવો જેમ પોતાની જનોઈ બદલે છે. તેવી રીતે આ દિવસે દરેક બહેન તેમના ભાઈને રક્ષા સૂત્ર બાંધતી હોય આ પર્વ રક્ષાબંધન પર્વ તરીકે પણ ઉજવાય છે. જેથી દરેક બહેનની ભાઈએ રક્ષા કરવાનું વચન આપતું પર્વ છે. તો, આ દિવસને ખલાસી સમાજ નારીયેલી પૂર્ણિમા તરીકે ઉજવે છે. આજથી દરેક ખલાસી પોતાના વહાણની પૂજા કરી તેને દરિયા માં ઉતારી દરિયો ખેડવા નીકળે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યોજાયેલ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમ માટે આજીવન યોગદાન આપનારા રાવલ પરિવાર સમાજને માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, યજ્ઞોપવિત એ ઉપવસ્ત્ર છે. જે વૈદિક કર્મના આરંભ પહેલા ધારણ કરવામાં આવે છે. વર્ષો જુની આ પરંપરા મુજબ વર્ષમાં 2 વાર જનોઈ બદલવાનો રિવાજ છે. જેમાં એક મકર સંક્રાંતિ ના દિવસે અને બીજો રક્ષા બંધનના દિવસે જે ધારણ કર્યા બાદ વૈદિક કર્મનો આરંભ કરવામાં આવે છે. આજ ના દિવસે ભૂદેવો દ્વારા પિતૃ તર્પણ વિધિ કરી નવી જનોઈ ધારણ કરી હતી.