નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણની શરૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે આ વર્ષના બજેટનું ફોકસ સંપૂર્ણપણે મધ્યમ વર્ગ, રોજગાર અને MSME ક્ષેત્ર પર રહેશે. દેશમાં મોંઘવારી પર નિર્મલા સીતારમણે કહ્યું કે અમે 4 ટકા મોંઘવારીનાં લક્ષ્યની નજીક પહોંચી રહ્યા છીએ.
બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પર ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી છે. ટેક્સમાં ઘટાડાથી હવે ઘણી પ્રોડક્ટ્સ સસ્તી થશે. તે જ સમયે, ટેક્સમાં વધારાને કારણે, ઘણા ઉત્પાદનોની કિંમતો વધશે. તો ચાલો હવે તમને જણાવીએ કે કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી.
મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો: નાણામંત્રીએ સોલાર સેલ અને પાન મેન્યુફેક્ચરિંગ પર ટેક્સ મુક્તિની જાહેરાત કરી છે. આ સિવાય તેણે મોબાઈલ ફોન અને તેના ચાર્જર પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી આ પ્રોડક્ટ્સ સસ્તી થશે. આ ઉપરાંત ચામડામાંથી બનેલા સામન પણ સસ્તા થશે.
આ વસ્તુઓ પણ સસ્તી થશે: ચામડા અને કાપડના ક્ષેત્રોમાં નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે, બતક અથવા હંસમાંથી મેળવવામાં આવતી અસલી ડાઉન ફિલિંગ સામગ્રી પરની BCD ઘટાડવામાં આવી છે. જેના કારણે તેમની કિંમતોમાં પણ ઘટાડો થશે. ન્યુક્લિયર એનર્જી, રિન્યુએબલ એનર્જી, સ્પેસ, ડિફેન્સ, હાઈ ટેક્નોલોજી ઈલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટર માટે 25 ક્રિટિકલ મિનરલ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે અને તેમાંથી બે પર BCD ઘટાડી દેવામાં આવી છે.
સ્ટીલ અને કોપર પર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડી: સરકારે સ્ટીલ અને કોપર પરની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે. સરકારે કિંમતી ધાતુઓ જેવા કે સોના અને ચાંદી પર કસ્ટમ ડયુટીમાં 6 ટકા અને પ્લેટીનમ પર 6.5 ટકાનો ઘટાડો કર્યો છે. નાણામંત્રીએ ત્રણ કેન્સરની સારવારની દવાઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની પણ જાહેરાત કરી છે, જેનાથી આ દવાઓ પણ સસ્તી થશે.
- હવેથી TDS ભરવામાં વિલંબ થશે તો ગુનો ગણાશે નહીં. સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરાયો છે.
શું થયું મોંઘું?
નાણામંત્રીએ એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકા અને નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક પર 25 ટકા કરવાની દરખાસ્ત કરી છે, જેના કારણે આ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય ચોક્કસ કોમ્યુનિકેશન ડિવાઈસ પર કસ્ટમ ડ્યૂટી પણ 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
- બજેટની અગત્યની બાબતો
એજ્યુકેશન માટે લોન: જે વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી, તેમણે દેશભરના સંસ્થાનોમાં એડમિશન માટે રુપિયા 10 લાખની લોન મળશે. લોનના 3 ટકા સુધી રૂપિયા સરકાર આપશે. તેના માટે ઈ વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.
મહિલાઓ અને છોકરીઓ માટેઃ મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્પેશિયલ સ્કીમ્સ રાજ્યો માટેઃ બિહાર અને આંધ્રપ્રદેશઃ આંધ્ર પ્રદેશને 15 હજાર કરોડ અને બિહારને 41 હજાર કરોડ રૂપિયાની મદદ. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ
બજેટમાં બિહારને આર્થિક મદદ કરવામાં આવી: બજેટમાં નિર્મલા સિતારમણે બિહારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુ-લેન પુલ રૂ. 26,000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. બિહારમાં નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. સાથે જ નવા એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે.
યુવાઓ માટે ઈન્ટર્નશિપનુ આયોજન: મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે. જેમાં દર મહિને રૂ. 5000નું ઇન્ટર્નશીપ ભથ્થું અને રૂ. 6000ની એકમ સહાય આપવામાં આવશે.
સૂર્યધર ફ્રી વીજળી યોજનાઃ 1 કરોડ ઘરોમાં પીએમ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતો માટેની જોગવાઈ: ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં 1.52 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે તેમજ 32 પાકોની 109 નવી જાતો રજૂ કરવામાં આવશે.