નવી દિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરશે. દર વર્ષે કેન્દ્રીય બજેટની રજૂઆતને આર્થિક મહત્વની ક્ષણ માનવામાં આવે છે. કારણ કે નાણાંપ્રધાન નવા નાણાકીય વર્ષ માટે રાજકોષીય રોડમેપ જાહેર કરે છે. જ્યારે પણ નાણાંપ્રધાન સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરે છે, ત્યારે નાગરિકો આતુરતાથી જાહેરાતની રાહ જોતા હોય છે.
2024 ની લોકસભા ચૂંટણીને કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેથી, હવે તે નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આજે આપણે ભારતના બજેટ વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણીશું.
- બજેટ શબ્દની ઉત્પત્તિ : 'બજેટ' શબ્દ ફ્રેન્ચ શબ્દ 'બૌગેટ' પરથી લેવામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ. આ કારણે જ આપણે બજેટની જાહેરાતના દિવસે ભારતના તમામ નાણામંત્રીઓને તેમના દસ્તાવેજો ચામડાની બ્રીફકેસમાં લઈને જતા જોયા છે. ભારતીયોને આ બ્રીફકેસ અંગ્રેજો પાસેથી વારસામાં મળી હતી.
- પ્રથમ બજેટ : આઝાદી પછીનું પ્રથમ ભારતીય બજેટ 26 નવેમ્બર, 1947 ના રોજ તત્કાલિન નાણાંપ્રધાન આર. કે. શાનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં ભારતના અર્થતંત્રની મૂળભૂત ઝાંખી હતી અને તેમાં કોઈ ફેરફાર કે દરખાસ્ત કરવામાં આવી ન હતી. પ્રથમ બજેટમાં રુ. 171.15 કરોડના રાજસ્વનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તે વર્ષ માટે કુલ ખર્ચ રૂ.197.29 કરોડ અંદાજવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પહેલાનું ભારત ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ, 1860ના રોજ આઝાદી પહેલાના ભારતમાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને તેને બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું.
- સૌથી વધુ વાર બજેટ રજૂ કરનાર મંત્રી : નાણાંપ્રધાન મોરારજી દેસાઈએ કેન્દ્રીય બજેટને વિક્રમજનક 10 વખત રજૂ કર્યું હતું. ત્યારબાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે 9 વાર, પૂર્વ નાણામંત્રી પ્રણવ મુખર્જીએ 8 વાર, પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ 8 વાર અને પૂર્વ નાણામંત્રી મનમોહનસિંહે 6 વાર બજેટ રજૂ કર્યું હતું.
- કેન્દ્રીય બજેટનું વિલીનીકરણ : 92 વર્ષ માટે અલગ અલગ રજૂ થયા બાદ રેલવે બજેટને 2017માં કેન્દ્રીય બજેટમાં મર્જ કરવામાં આવ્યું હતું.
- કેન્દ્રીય બજેટના ખ્યાલ પાછળના વ્યક્તિ : તમારામાંથી ઘણાને આ ખબર નહીં હોય પરંતુ પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબિસ કેન્દ્રીય બજેટનો વિચાર તૈયાર કરવા પાછળના વ્યક્તિ હતા. તેઓ એક ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી હતા, જેઓ ભારતના આયોજન પંચના મુખ્ય સભ્યોમાંના એક હતા.
- કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન : કેન્દ્રીય બજેટ સામાન્ય રીતે નાણાંપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ નાણાકીય વર્ષ 1958-1959 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા. બાદમાં ઈન્દિરા ગાંધી (1970) અને રાજીવ ગાંધી (1987) એવા બે વડાપ્રધાન હતા, જેમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.
- બધા માટે બજેટ : વર્ષ 1955માં તત્કાલિન નાણામંત્રી સીડી દેશમુખે બજેટ દસ્તાવેજને ભારતના તમામ નાગરિકો માટે સુલભ અને સમાવિષ્ટ બનાવવાની જરૂરિયાતને માન્યતા આપી હતી. તેમણે બજેટ અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં છપાવ્યું હતું.
- કેન્દ્રીય બજેટ રજૂ ન કરનાર મંત્રી : કેસી નિયોગી અને એચ. એન. બહુગુણા માત્ર એવા બે નાણામંત્રી છે, જેમણે ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું ન હતું. આ એટલા માટે થયું કારણ કે તેઓ બે બજેટ દિવસો વચ્ચે એટલા ટૂંકા ગાળા માટે પદ પર રહ્યા કે, તેમને બજેટ રજૂ કરવાની કોઈ તક મળી ન હતી. નિયોગી ભારતના બીજા નાણામંત્રી હતા, તેઓ માત્ર 35 દિવસ માટે આ પદ પર હતા.
- પેપરલેસ બજેટ : 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ભારતમાં ચાલી રહેલી કોવિડ -19 મહામારીના કારણે આ કરવામાં આવ્યું હતું.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ : પહેલા 30 વર્ષ સુધી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ નહોતો. તે 1900 ના દાયકામાં બજેટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
- બજેટ પ્રકાશન ભાષાઓ : 1955-56 થી બજેટ દસ્તાવેજો અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં પ્રકાશિત થાય છે. અગાઉ બજેટ માત્ર અંગ્રેજીમાં જ પ્રકાશિત થતું હતું.
- કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા : ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નાણાકીય વર્ષ 1970-71 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા.
- બજેટ રજૂ કરનાર બીજા મહિલા : 5 જુલાઈ, 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પછી બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા. તેઓ ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી છે.
- સમયમાં ફેરફાર : વર્ષ 1999માં નાણામંત્રી યશવંત સિન્હાએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાથી બદલીને સવારે 11 વાગ્યાનો કર્યો હતો.
- ગિફ્ટ ટેક્સ : ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરચોરીને વધુ મુશ્કેલ બનાવવા માટે નાણાકીય વર્ષ 1958-1959ના બજેટમાં ગિફ્ટ ટેક્સ રજૂ કર્યો હતો.
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ : 28 ફેબ્રુઆરી 2006ના રોજ તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમે બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની શરૂઆત કરી હતી.
- બ્રીફકેસની જગ્યાએ બહી ખાતું : વર્ષ 2019 માં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ બજેટ બ્રીફકેસની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક સાથે પરંપરાગત 'બહી ખાતા' માં રાખ્યું હતું.
- હલવા સમારોહ : પરંપરા મુજબ નાણાંમંત્રી નાણાં મંત્રાલયના (નોર્થ બ્લોક) ભોંયરામાં હલવા સમારોહનું આયોજન કરે છે, જે ખાસ કરીને બજેટની પ્રિન્ટિંગ માટે બનાવવામાં આવેલ જગ્યા છે. આ સમારોહ બજેટ તૈયાર કરવામાં મદદ કરનાર સભ્યોની મહેનતની ઉજવણી છે. સમારંભ બજેટ રજૂ થાય તેના 9 થી 10 દિવસ પહેલા સમારોહ યોજાય છે, આમ કર્મચારીઓ અને સભ્યો માટે 'લોક ઇન'નું પ્રતીક છે. જેઓ બજેટ દિવસ સુધી બાકીના વિશ્વથી અલગ રહે છે. આ ખાતરી કરવા માટે છે કે કોઈ લીક ન થાય.
- સૌથી લાંબુ બજેટ ભાષણ : ચાર વખત સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ સીતારમણના નામે છે. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણ 2 કલાક અને 42 મિનિટ બોલ્યા હતા. જોકે, બે પાના બાકી હોવાથી તેમને પોતાનું ભાષણ ટૂંકું કરવું પડ્યું. તેમણે જુલાઈ, 2019 તેમનું પ્રથમ બજેટ કરતા બનાવેલ પોતાનો રેકોર્ડ તોડ્યો, જ્યારે તેમણે 2 કલાક અને 17 મિનિટ બોલ્યા હતા.
- સૌથી વધુ શબ્દોવાળું બજેટ ભાષણ : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કદાચ ઓછું બોલતા વ્યક્તિ હતા. પરંતુ નાણાંપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વર્ષ 1991 માં સૌથી વધુ શબ્દો 18,655 નું ભાષણ આપ્યું હતું.
- મોદી સરકારના પ્રથમ કાર્યકાળના નાણામંત્રી : મોદી સરકારના પ્રથમ કાર્યકાળના નાણામંત્રી અરુણ જેટલી હતા. અરુણ જેટલીએ 1 કલાક અને 49 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. જે 18,604 શબ્દો સાથે બીજા સ્થાને છે.
- સૌથી ટૂંકું બજેટ ભાષણ : 1977 નું બજેટ ભાષણ તત્કાલિન નાણામંત્રી હીરુભાઈ મુળજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું, તે માત્ર 800 શબ્દોનું હતું.
- પ્રિન્ટીંગનું સ્થળ : ભારતીય યુનિયન બજેટ વર્ષ 1950 સુધી રાષ્ટ્રપતિ ભવન ખાતે છાપવામાં આવતું હતું. જ્યારે તે લીક થયું અને તેને નવી દિલ્હીના મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં ખસેડવાની ફરજ પડી હતી. વર્ષ 1980માં નોર્થ બ્લોકમાં એક સરકારી પ્રેસની સ્થાપના કરવામાં આવી હતી.
- વચગાળાનું બજેટ : વચગાળાના બજેટને વોટ ઓન એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. મર્યાદિત સમયગાળા માટે ખર્ચ કરવાની પરવાનગી મેળવવા માટે વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવે છે. ચૂંટણી પછી નવી સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપશે અને બીજું બજેટ રજૂ કરવાનું પસંદ કરી શકે છે, જે સંપૂર્ણ બજેટ હોય છે. આખા નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ બજેટ તૈયાર કરવામાં આવે છે.