ભોપાલ: ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના સુરક્ષા અધિકારીને પાકિસ્તાનથી ફોન કરીને તેમના લોકેશન વિશે પૂછવામાં આવ્યું હતું. પહેલા એક નંબર પરથી કોલ આવ્યો, પરંતુ જ્યારે સવાલનો જવાબ ન આપ્યો તો થોડી વાર પછી સિક્યોરિટી ઓફિસરને બીજા નંબર પરથી ફોન આવ્યો અને પછી એ જ સવાલ ફરીથી પુછ્યો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પૂર્વ મુખ્યમંત્રી કાર્યાલયે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને એડીજી ઈન્ટેલિજન્સને જાણ કરી છે.
પૂછ્યું, કહો તમારું લોકેશન શું છે?: પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના કાર્યાલયે માહિતી આપી હતી કે ઉમા ભારતીના સુરક્ષા અધિકારીને પાકિસ્તાન અને દુબઈથી કોલ કરવામાં આવ્યા હતા. તેણે વારંવાર સુરક્ષા અધિકારીને તેના લોકેશન વિશે પૂછ્યું હતુ. તેણે સુરક્ષા અધિકારીને કહ્યું કે, તેઓ ક્રાઈમ બ્રાન્ચમાંથી ફોન કરી રહ્યા છે. તેણે કહ્યું કે, તે પૂછપરછ માટે આવવાનું સ્થળ જાણવા માંગે છે. જ્યારે તે બંને વોટ્સએપ નંબર ટ્રુ કોલર આઈડી પર સર્ચ કરવામાં આવ્યા ત્યારે એક નંબર પાકિસ્તાનના એમ હુસૈનનો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજો નંબર દુબઈના અબ્બાસનો હતો. સુરક્ષામાં તૈનાત નિરીક્ષકે તરત જ આ સંપૂર્ણ માહિતી વોટ્સએપ નંબર અને નામો સાથે રાજ્યના વડા અને એજીડી ઈન્ટેલિજન્સને મોકલી આપી છે.
ઉમા અયોધ્યા આંદોલન જોડાયેલી છે: ઉમા ભારતી અયોધ્યા આંદોલન સાથે સંકળાયેલી છે. બાબરી ધ્વંસની ઘટના સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઉમા ભારતીને 2012માં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તે પછી તે ઉત્તર પ્રદેશની ચરખારી વિધાનસભામાંથી ધારાસભ્ય રહી હતી. તે સમયે તેને બે દિવસથી શ્યામલા હિલ્સમાં તેની લેન્ડલાઈન પર ધમકીભર્યા ફોન આવ્યા હતા. જેની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.