તિરુપતિ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે ચંદ્રયાન-4 મિશન અંગે વિશેષ માહિતી આપી છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોહન બાબુ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધતા ISROના અધ્યક્ષે કહ્યું કે ચંદ્રયાન-4 મિશન એ એક ખ્યાલ છે જેને આપણે ચંદ્રયાન શ્રેણીની સિક્વલ તરીકે વિકસાવી રહ્યા છીએ. સોમનાથે કહ્યું કે અવકાશ સંશોધન એ સતત પ્રક્રિયા છે. ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એટમોસ્ફેરિક રિસર્ચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેશનલ સ્પેસ ડે ફંકશનને સંબોધતા ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે, અમે 2040 સુધીમાં ચંદ્ર પર પગ મૂકવા માગીએ છીએ.
ઈસરોના અધ્યક્ષ ડો.સોમનાથે જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાન મોદી ચંદ્રયાન-3ની પ્રેરણા લઈને 2040 સુધીમાં ચંદ્ર પર પગ મુકવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 નું પ્રક્ષેપણ લગભગ 7 લાખ લોકોએ માત્ર YouTube દ્વારા જોયું હતું અને લાખો લોકોએ તેને શાળાઓ, યુનિવર્સિટીઓ, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્ટ્રીમિંગ દ્વારા પરોક્ષ રીતે જોયું હતું.
દેશના સામાન્ય લોકો જ નહીં, ચંદ્રયાન-03ના પ્રક્ષેપણ દરમિયાન પીએમ મોદીએ બ્રિક્સની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકો દરમિયાન પણ તેને લાઈવ નિહાળ્યું હતું. તેમણે કહ્યું કે લોન્ચિંગ પહેલા અને તેની સફળતા પછી પીએમ દ્વારા આપવામાં આવેલી પ્રેરણાએ તેમને ઘણી શક્તિ આપી. તેમણે યાદ કર્યું કે જ્યારે વડાપ્રધાન ચંદ્રયાન-3 ટીમને મળવા આવ્યા અને તેમને અભિનંદન આપ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા.
સોમનાથે કહ્યું કે, અમે જે ચંદ્રયાન-3 મોકલ્યું છે તે અમેરિકા અને રશિયા જેવા દેશો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયોગોથી સંપૂર્ણપણે અલગ છે. ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગની નજીક મોકલ્યું હતું.
મોહન બાબુ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમને સંબોધ્યા બાદ ડો.એસ.સોમનાથ વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં પણ ભાગ લીધો હતો. તેણે કહ્યું કે તે એક વાતને લઈને હંમેશા દુઃખી રહેશે કે તેમને ડૉ. કલામ સાથે કામ કરવાની તક મળી નથી, જેમની પાસેથી તેઓ પ્રેરિત થયા હતા.