નવી દિલ્હીઃ 22 એપ્રિલથી ગુમ થયેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અભિનેતા ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા છે. તપાસમાં પોલીસે કહ્યું કે પરત ફર્યા બાદ અભિનેતાએ જણાવ્યું કે તે ધાર્મિક યાત્રા પર હતા. તેના વૃદ્ધ પિતાએ 22 એપ્રિલે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુરુચરણ સિંહ પોતાનું સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર હતા. તે ઘણા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતાં. જ્યારે તેને ખબર પડી કે હવે ઘરે પાછા ફરવું જોઈએ, ત્યારે તે આવ્યા.
ગુરુચરણ સિંહ હિટ ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકાથી પ્રખ્યાત થયા હતા. તે 22 એપ્રિલથી ગુમ હતાં, જેના કારણે તેમના પરિવાર અને ચાહકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. તેમના પિતા હરજીત સિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર એરપોર્ટ જવા માટે રવાના થયો હતો પરંતુ તેના મુકામ સુધી પહોંચ્યો ન હતો. દિલ્હી પોલીસ ગુરુચરણને સક્રિય રીતે શોધી રહી હતી. ગુરુચરણ તેમના કામની પ્રતિબદ્ધતાઓને કારણે મુંબઈમાં રહેતા હતા, પરંતુ અવારનવાર દિલ્હીમાં તેમના પરિવારને મળવા જતા હતા. એવા અહેવાલો હતા કે તે લગ્ન કરવા જઈ રહ્યો હતો અને આર્થિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યો હતો.