નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રા દરમિયાન દુકાનદારોને દુકાન બહાર નેમપ્લેટ લગાવવાના આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્દેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાંની એક અરજી TMC સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
યુપી સરકારે જવાબમાં કહ્યું છે કે, રાજ્ય દ્વારા જારી કરાયેલ સૂચનાઓ દુકાનો, રેસ્ટોરાં અને હોટલોના નામને કારણે થતી ગૂંચવણ અંગે કાવડિયાઓ તરફથી મળેલ ફરિયાદો બાદ કરવામાં આવી હતી. કાવડિયાઓની ધાર્મિક લાગણીઓને આકસ્મિક રીતે પણ ઠેસ ન પહોંચે તથા શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા માટે આ સૂચના જારી કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશ નેમપ્લેટ વિવાદ : યુપી સરકાર દ્વારા તમામ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોને કાવડ યાત્રા દરમિયાન તેમના નામ અને અન્ય વિગતો દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ ઋષિકેશ રોય અને SVN ભટ્ટની ખંડપીઠ આ નિર્દેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને દિલ્હીને અરજી પર જવાબ આપવા નોટિસ જારી કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકારનો નિર્ણય બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન અને બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ છે.
SC માંગ્યો જબાવ : દુકાન બહાર નેમપ્લેટ લગાવવાના ઉત્તરપ્રદેશ સરકારના આ નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે મૂકતા ચુકાદો આપ્યો હતો કે, ઉત્તરપ્રદેશ પોલીસ દુકાનદારોને તેમના નામ દર્શાવવા દબાણ કરી શકે નહીં. તેના બદલે માત્ર ખાદ્યપદાર્થો પ્રદર્શિત કરવાનું કહી શકે છે. કાવડ યાત્રા રૂટ પર આવેલી ખાણીપીણીના માલિકોને દુકાનોની બહાર તેમના નામ દર્શાવવા માટે દબાણ ન કરવું જોઈએ.
UP સરકારનો જવાબ : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં યુપી સરકારે કહ્યું કે, રાજ્યએ ખાદ્યપદાર્થો વેચનારાઓના વેપાર અથવા વ્યવસાય પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી તથા ન તો તેમને રોકવામાં આવ્યા છે. માત્ર માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ સિવાય વ્યવસાય સામાન્ય રીતે ચલાવવા માટે વેપારીઓ સ્વતંત્ર છે. માલિકોના નામ અને ઓળખ પ્રદર્શિત કરવાની જરૂરિયાત માત્ર પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને કાવડિયાઓમાં કોઈપણ સંભવિત મૂંઝવણને ટાળવા માટે એક પગલું છે.
શું હતો યોગી સરકારનો આદેશ ? 20 જુલાઈના રોજ ઉત્તરપ્રદેશ સરકારે કાવડ માર્ગ પર ખાદ્યપદાર્થોની દુકાનોને માલિકોના નામ દર્શાવવા માટે સૂચના જારી કરી હતી. આ નિર્દેશ પર ધર્મના આધારે ભેદભાવનો ઉલ્લેખ કરી રાજ્યના વિરોધ પક્ષોએ હુમલો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ અંગે ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો અને આગામી સુનાવણી 26 જુલાઈના રોજ નિયત કરી હતી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો : શુક્રવારે વધુ સુનાવણી માટે આ મામલાને પોસ્ટ કરતા, બેન્ચે કહ્યું કે, અમે ઉપરોક્ત નિર્દેશોના અમલ પર રોક લગાવવા માટે વચગાળાનો આદેશ પસાર કરવાનું યોગ્ય માનીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, ખાદ્ય વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની વિવિધતા દર્શાવવાની જરૂર પડી શકે છે, પરંતુ તેમને માલિકો અથવા નોકરી કરતા કર્મચારીઓના નામ દર્શાવવાની ફરજ પાડવી જોઈએ નહીં.