ચંદીગઢ : 18 ફેબ્રુઆરી, રવિવારના રોજ આમ આદમી પાર્ટીના પાર્ષદ પૂનમ દેવી અને નેહા મુસાવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જ્યારે ગુરુચરણ કાલાએ ઘર વાપસી કરી છે. આ સાથે જ ચંદીગઢનું રાજકારણ ગરમાયું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદે ત્રણેય પાર્ષદોનું કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ તકે વિનોદ તાવડેએ કહ્યું કે, ત્રણેય પાર્ષદોને ભાજપમાં પૂરેપૂરું સન્માન મળશે અને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.
અરુણ સૂદનો દાવો : ચંદીગઢ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદે કહ્યું કે, ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. આવી સ્થિતિમાં ચંદીગઢના મેયર ભાજપના જ રહેશે. જન કલ્યાણની નીતિઓને કારણે ચંદીગઢ ભાજપનો વિકાસ થતો રહેશે.
નેહા મુસાવતનો આક્ષેપ : ભાજપમાં જોડાવાની સાથે જ નેહા મુસાવતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી તેની નીતિઓમાં નિષ્ફળ ગઈ છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થયા અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
પૂનમ દેવીનું નિવેદન : આમ આદમી પાર્ટીના પાર્ષદ પૂનમ દેવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો અને દલિતોના મસિહા છે. તેમણે સમાજના દરેક વર્ગ માટે ઘણા બધા વિકાસ કાર્યો કર્યા છે. અમે ભાજપમાં જોડાઈને ખૂબ જ ખુશ છીએ.
ગુરુચરણ કાલાની ઘર વાપસી : ગુરુચરણ કાલા થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ ફરી એકવાર પક્ષપલટો કરી ઘર વાપસી કર્યા બાદ ગુરુચરણ કાલાએ કહ્યું કે, હું તો પહેલાથી જ ભાજપમાં હતો. કેટલાક લોકોએ મને થોડા દિવસો માટે ગેરમાર્ગે દોર્યો હતો. પરંતુ ફરી એકવાર હું ભાજપમાં જ છું. ભાજપમાં પરત ફર્યા બાદ ખૂબ જ ખુશ છું.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે શું કહ્યું ? ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે, ચંદીગઢના પાર્ષદ પૂનમ દેવી, નેહા મુસાવત અને ગુરુચરણ કાલા ભાજપમાં જોડાયા છે. તેઓ તેમના પક્ષના તેમના પ્રત્યેના વર્તનથી નારાજ છે. ભાજપ તેમનું સન્માન કરશે અને તેઓ ચંદીગઢના વિકાસમાં મદદ કરશે.
નવનિયુક્ત ચંદીગઢ મેયરનું રાજીનામું : ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મેયર મનોજ સોનકરે 18 ફેબ્રુઆરી, રવિવારના રોજ મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પહેલા જ ભાજપના મેયર મનોજ સોનકરે રાજીનામું આપી દીધું હતું. ચંદીગઢ ભાજપના અધ્યક્ષે મનોજ સોનકરના રાજીનામાની પુષ્ટિ કરી છે. આવી સ્થિતિમાં ચંદીગઢ મેયરની ચૂંટણી માટે ફરી એકવાર માર્ગ મોકળો થયો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : આમ આદમી પાર્ટીએ ચંદીગઢના મેયરની ચૂંટણી રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચંદીગઢ પ્રશાસનને ફટકાર લગાવી હતી. આમ આદમી પાર્ટીની અરજી પર આજે ફરી એકવાર સુનાવણી થવાની છે.