નવી દિલ્હી : રાજ્ય સરકારને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે કે કેમ ? તે અંગેના કાયદાકીય પ્રશ્નની સમીક્ષા સુપ્રીમ કોર્ટમાં શરૂ કરવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત સભ્યોની બંધારણીય બેંચ પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો (સેવાઓમાં અનામત) અધિનિયમ, 2006 ની માન્યતાનો પણ અભ્યાસ કરી રહી છે. આ અધિનિયમ અનુસૂચિત જાતિ (SC) માટે નિર્ધારિત આરક્ષણ હેઠળ સરકારી નોકરીઓમાં 'મઝહબી શીખ' અને 'વાલ્મિકી' સમુદાયોને 50 ટકા અનામત અને પ્રથમ પસંદગી આપે છે.
જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર મિશ્રાની બનેલી ખંડપીઠ 23 અરજી પર સુનાવણી કરી રહી છે. જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 2010ના ચુકાદાને પડકારતી પંજાબ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી મુખ્ય અરજીનો સમાવેશ થાય છે.
પંજાબમાં 'વાલ્મિકી' અને 'મઝહબી શીખો' સમુદાયોને અનુસૂચિત જાતિનું 50 ટકા અનામત આપતી પંજાબ એક્ટની કલમને 4(5) હાઈકોર્ટે ગેરબંધારણીય ગણાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે, આ જોગવાઈ EV ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેંચના 2004ના નિર્ણયનું ઉલ્લંઘન કરે છે.
EV ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય કેસના નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે, અનુસૂચિત જાતિનું 'પેટા-વર્ગીકરણ' બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરશે. પંજાબ સરકારે હાઈકોર્ટના નિર્ણયને પડકારતા વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પંજાબ સરકારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો 2004 નો નિર્ણય તેના પર લાગુ પડતો નથી.
પંજાબ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે 27 ઓગસ્ટ, 2020 ના રોજ ચિન્નૈયાના ચુકાદા સાથે અસંમત થયા હતા. ઉપરાંત આ મામલાને સાત સભ્યોની વૃહદ બેંચને મોકલી આપ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ બેઠકોમાંથી 22.5 ટકા અનુસૂચિત જાતિ (SC) માટે અને 7.5 ટકા બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીઓ માટે અનામત છે. આ જ માપદંડ સરકારી નોકરીઓના કિસ્સામાં પણ લાગુ પડે છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં અનુસૂચિત જનજાતિની વસ્તી નથી.