નવી દિલ્હી: કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપસર જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ માટે તેમના પત્ની સુનીતા કેજરીવાલ જનતા વચ્ચે જઈ આશીર્વાદની અપીલ કરશે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, સુનીતા કેજરીવાલ શનિવારે પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ શો સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. જ્યારે 28મી એપ્રિલે પશ્ચિમ દિલ્હીમાં મેગા રોડ શોમાં સુનીતા કેજરીવાલ ભાગ લેશે. સુનીતા કેજરીવાલ પંજાબ, ગુજરાત અને હરિયાણામાં પણ 'આપ'ના ઉમેદવારો માટે પ્રચાર પણ કરશે.
ભાજપની ચાલ 100 ટકા નિષ્ફળઃ આતિશીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની ભાજપની ચાલ 100 ટકા નિષ્ફળ રહી છે. સમગ્ર દેશમાં જનતા કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે. લોકસભા ચૂંટણીની જાહેરાત અને આચારસંહિતા લાગુ થયા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને તેમના રાજકીય હથિયાર EDએ મુખ્યપ્રધાનની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ કેજરીવાલથી ડરે છે. તેઓ નથી ઈચ્છતા કે કેજરીવાલ ચૂંટણી લડે.
આશીર્વાદની અપીલઃ આતિશીએ કહ્યું કે હવે કેજરીવાલની પત્ની સુનીતા અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ પ્રચાર કરશે અને તેમના માટે આશીર્વાદ માંગશે. AAP ઉમેદવારોના મત માટે અપીલ કરશે. તેણી દિલ્હી, પંજાબ, ગુજરાત અને હરિયાણાના લોકો પાસેથી કેજરીવાલ માટે આશીર્વાદ માંગશે. સુનીતા કેજરીવાલ 27 એપ્રિલથી પૂર્વ દિલ્હીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આતિશીએ કહ્યું કે હું બીજેપીને કહેવા માંગુ છું કે દિલ્હી, પંજાબ અને સમગ્ર દેશના લોકો અરવિંદ કેજરીવાલની સાથે છે અને ચોક્કસપણે તેમના આશીર્વાદ અરવિંદ કેજરીવાલને આપશે.